મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસ મહાબીમારીના કેસ વધી ગયા છે ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તે રોગચાળાને અંકુશમાં રાખવા માટે નક્કી કરાયેલી કડક અને અસરકારક વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે. એનડીટીવીના અહેવાલ મુજબ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોની એક ટૂકડીએ મહારાષ્ટ્રની મુલાકાત લીધા બાદ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર કોરોના વાઈરસ રોગચાળાના બીજા મોજાના આરંભિક તબક્કામાં છે.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં બીજું લોકડાઉન લાગુ કરવાને બદલે રોગચાળાને કાબૂમાં રાખવા માટેની ગાઈડલાઈન્સનો કડક અમલ કરવાનું નક્કી કર્યું છે. નવી માર્ગદર્શિકા 31 માર્ચ સુધી અમલમાં રહેશે. જેમાં વર્ક ફ્રોમ હોમને મહત્ત્વ આપવામાં આવ્યું છે. હોટેલ, રેસ્ટોરન્ટ્સ, સિંગલ થિયેટરો 50-ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજકીય ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમમો, સભાઓ પર પ્રતિબંધ છે. શોપિંગ મોલ્સમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા, સેનિટાઈઝર ઉપયોગ જેવા નિયમોનું કડક રીતે પાલન કરવા કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ગઈ કાલે, સોમવારે કોરોના વાઈરસના નવા 15,051 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કેસોની કુલ સંખ્યા 23,29,464 પર પહોંચી છે. ગઈ કાલે 48 કોરોના દર્દીનાં મૃત્યુ નિપજ્યા હતા અને એ સાથે કુલ મરણાંક વધીને 52,909 થયો છે. 10,671 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આનો કુલ આંકડો વધીને 21,44,743 થયો છે.