મુંબઈ – મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની 3-પક્ષોના સંગઠન ‘મહાવિકાસ આઘાડી’ની બનાવાયેલી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરવા વિશેની યાદીને રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ મંજૂરી આપી દીધી છે.
ઘણા દિવસોના વિલંબ બાદ પ્રધાનોને ખાતાની ફાળવણીનો મામલો હવે સમાપ્ત થયો છે.
કયા પ્રધાનને કયું ખાતું આપવામાં આવ્યું છે એની ઔપચારિક જાહેરાત હજી કરવામાં આવી નથી, પરંતુ યાદી મિડિયા પાસે પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનોને ખાતાની ફાળવણી કરવા વિશેની યાદી ગઈ કાલે રાતે ગવર્નર કોશિયારીને મોકલી હતી. રાજ્યપાલે એની પર પોતાના હસ્તાક્ષર કરી દેતાં એ મંજૂર થઈ ગઈ છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સામાન્ય પ્રશાસન, ભંડોળ, ન્યાયતંત્ર પોતાની પાસે રાખ્યા છે. એમણે પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને પર્યાવરણ અને પર્યટન ખાતું સોંપ્યું છે તથા પોતાના જ પક્ષના એકનાથ શિંદેને નગરવિકાસ અને સાર્વજનિક બાંધકામ ખાતાઓની જવાબદારી આપી છે.
સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને મહત્ત્વના પદ આપવામાં આવ્યા છે. અજીત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે અને એમને બે મહત્ત્વના ખાતા આપવામાં આવ્યા છે – નાણાં અને આયોજન.
અગાઉ એવા અહેવાલ હતા કે એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલને નાણાં ખાતું સોંપવામાં આવશે, પરંતુ એમને તે આપવામાં આવ્યું નથી અને અજીત પવાર બન્યા છે નાણાં પ્રધાન. જયંત પાટીલને જળસંસાધન પ્રધાન બનાવવામાં આવ્યા છે.
એનસીપીના અનિલ દેશમુખને રાજ્યના નવા ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસ એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતને મહેસૂલ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ બન્યા છે સાર્વજનિક બાંધકામ પ્રધાન.
શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈ રાજ્યના નવા ઉદ્યોગ પ્રધાન બન્યા છે.
એનસીપીના છગન ભુજબળને અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન બનાવાયા છે. આ જ પાર્ટીના જિતેન્દ્ર આવ્હાડને ગૃહનિર્માણ અને ધનંજય મુંડેને સામાજિક ન્યાય ખાતાની જવાબદારી આપવામાં આવી છે. નવાબ મલિકને અલ્પસંખ્યકોને લગતી બાબતોનો હવાલો સોંપવામાં આવ્યો છે.
શિવસેનાના અનિલ પરબને બનાવવામાં આવ્યા છે નવા ટ્રાન્સપોર્ટ પ્રધાન.
બે દિવસ પહેલાં નારાજગી વ્યક્ત કરીને રાજીનામાની ધમકી આપનાર શિવસેનાનાં મુસ્લિમ પ્રધાન અબ્દુલ સત્તારને મહેસુલ અને ગ્રામવિકાસ ખાતાના રાજ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે.