મહારાષ્ટ્રની શાળાઓમાં આવતા વર્ષથી લાગુ થશે ‘એક રાજ્ય એક યૂનિફોર્મ’ નીતિ

મુંબઈઃ આખા મહારાષ્ટ્ર રાજ્યમાં સરકાર સંચાલિત પ્રાથમિક શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓને સમાન ગણવેશ પૂરા પાડવાની સરકારની યોજના આ વર્ષથી અમલમાં મૂકી શકાઈ નથી, પરંતુ તે 2024-25ના વર્ષથી જરૂર અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર આખા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 1-8 ધોરણમાં ભણતાં આશરે 50 લાખ જેટલા વિદ્યાર્થીઓને યૂનિફોર્મ પૂરા પાડશે.

દરેક વિદ્યાર્થીને બે યૂનિફોર્મ આપવામાં આવશે. એમાં છોકરાઓ માટે સ્કાઈ બ્લૂ શર્ટ હશે અને ડાર્ક બ્લૂ શોર્ટ અથવા ટ્રાઉઝર હશે જ્યારે છોકરીઓ માટે આ જ રંગ-પેટર્નમાં ટોપ-સ્કર્ટ અથવા સલવાર-કમીઝ હશે. એક યૂનિફોર્મ સ્કાઉટ અને ગાઈડ પીરિયડ વખતે પહેરવાનો રહેશે. એમાં શોલ્ડર સ્ટ્રીપ્સ અને ડબલ પોકેટ (ખિસ્સા) હશે. સરકારે આને એક રાજ્ય એક યૂનિફોર્મ નીતિ નામ આપ્યું છે. નવી યોજના હાલની પ્રથાની બદલીમાં અમલમાં મૂકાશે. હાલની પ્રથામાં સરકાર તરફથી સંબંધિત શાળાઓની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીઓને દર વર્ષે પ્રતિ વિદ્યાર્થી 600 રૂપિયા રોકડ રકમ સ્વરૂપે આપવામાં આવે છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીઓ ત્યારબાદ સ્થાનિક સ્તરે ગણવેશ સીવડાવવાની અને વિદ્યાર્થીઓને સુપરત કરવાની જવાબદારી લે છે.

વિદ્યાર્થીઓને શાળા શરૂ થવાના પહેલા જ દિવસે યૂનિફોર્મ આપવામાં આવશે. તમામ યૂનિફોર્મ માટેનાં વસ્ત્રો સરકાર સ્પર્ધાત્મક હરાજી યોજીને એક જ વિક્રેતા પાસેથી ખરીદશે. સરકારની યોજના યૂનિફોર્મનું સિલાઈકામ રાજ્યભરમાં મહિલાઓનાં સ્વસહાય જૂથોને આપવાની છે.