નવરાત્રીના છેલ્લા 3 દિવસ: મુંબઈમાં રાતે 12 વાગ્યા સુધી ગરબા-દાંડિયાની પરવાનગી

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવરાત્રી તહેવાર નિમિત્તે ગરબા-દાંડિયા રમવા માટે લોકોમાં જોવા મળેલા ઉત્સાહને ધ્યાનમાં રાખીને મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે નવરાત્રીના બાકી રહેલા ત્રણ દિવસ માટે રાતે 12 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપી છે.

અત્યાર સુધી લાઉડસ્પીકર પર ગીત-સંગીત વગાડવાની છૂટ માત્ર રાતના 10 વાગ્યા સુધી જ હતી. એને કારણે 10 વાગ્યે ગરબા બંધ કરી દેવા પડતા હતા. પરંતુ હવે છેલ્લા ત્રણ દિવસ માટે રાતે 12 વાગ્યા સુધી પરવાનગી અપાઈ છે એટલે લાઉડસ્પીકર પર ગીત-સંગીત વગાડવા મળશે. પોલીસ અટકાવશે નહીં.

અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે નવરાત્રી-2023ના માત્ર બે જ દિવસ – 22 અને 23 ઓક્ટોબરની રાતે જ 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરના ઉપયોગ સહિત ગરબાની પરવાનગી રહેશે. પણ હવે 21 ઓક્ટોબરના શનિવાર માટે પણ પરવાનગી મળી છે.