મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીનું જોખમ વધી જતાં મહારાષ્ટ્ર સરકારમાં લોકડાઉન લાગુ કરવાની હિલચાલ શરૂ થઈ હતી, પરંતુ આજે યોજાઈ ગયેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે 30 એપ્રિલ સુધી એવું સંપૂૂર્ણ લોકડાઉન નહીં લાગુ કરાય, પરંતુ કોરોનાનો ફેલાવો રોકવા માટેના નિયંત્રણોનો કડક રીતે અમલ કરવામાં આવશે. તે ઉપરાંત શુક્રવારે રાતે 8 વાગ્યાથી લઈને સોમવારે સવારે 7 વાગ્યા સુધી વીકએન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવશે. હાલ લાગુ કરવામાં આવેલા નાઈટ-કર્ફ્યૂનો કડક રીતે અમલ કરવાનું નક્કી કરાયું છે. રાતનો કર્ફ્યૂ રાતે 8 વાગ્યાથી લઈને બીજે દિવસે સવારે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે. હોટેલ, રેસ્ટોરન્ટ્સમાં માત્ર પાર્સલ લઈ જવાની જ છૂટ રહેશે, ગ્રાહકોને ત્યાં બેસાડીને જમાડી શકાશે નહીં.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષપદ હેઠળની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે રાજ્યભરમાં 30 એપ્રિલ સુધી કડક નિયંત્રણો લાગુ કરવામાં આવશે. ઠાકરેએ આજે વિડિયો કોન્ફરન્સ યોજી હતી અને એમાં અનેક સંસ્થાઓના વડાઓની રજૂઆતો સાંભળી હતી. આમાં જિમ્નેશ્યિમોના માલિકો, થિયેટર અને મલ્ટીપ્લેક્સીસના માલિકો, અખબારના તંત્રીઓનો સમાવેશ થાય છે. ઠાકરેએ નિર્ણય લેતા પહેલાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વિપક્ષી નેતા રાજ ઠાકરે સાથે ફોન પર વાતચીત પણ કરી હતી.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 49,447 કેસ અને 277 મૃત્યુ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 4,01,172 થઈ છે.
કેબિનેટમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોઃ
વીકેન્ડ લોકડાઉન લાગુ કરવું. શનિવાર અને રવિવારે લોકડાઉન.
રાજ્યભરમાં 30 એપ્રિલ સુધી રાતે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ-કર્ફ્યૂ
દિવસના ભાગમાં 144મી કલમ લાગુ કરાશે.
સરકારી કાર્યાલયોમાં 50 ટકા સ્ટાફની જ પરવાનગી
શાકભાજી બજારો પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ ટોળા ન જામે એટલે નિયમોનું કડક પાલન કરાશે.
ફિલ્મ અને ટીવી સિરિયલ શૂટિંગ ચાલુ રાખી શકાશે, પણ ટોળા ભેગા થવા ન જોઈએ.
રાતના કર્ફ્યૂના કલાકો દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને બાદ કરતાં અન્ય દુકાનો રાતે 8 વાગ્યાથી બંધ કરી દેવાની રહેશે.
ટ્રાફિક વ્યવસ્થા યથાવત્ રહેશે. કોઈ પણ વાહન ચલાવવા પર પ્રતિબંધ નથી. મુંબઈમાં લોકલ ટ્રેનો, બસ, રિક્ષા, ટેક્સીઓ ચાલુ જ રહેશે. પરંતુ એમાં પ્રવાસીઓની ક્ષમતા અડધી કરવાની રહેશે. રીક્ષામાં એક અને ટેક્સીમાં બે પેસેન્જરને બેસાડી શકાશે.
માસ્ક ન પહેરનારને રૂ. 500નો દંડ કરાશે.
ખાનગી ઓફિસોને વર્ક ફ્રોમ હોમ નિયમનું પાલન કરવા જણાવાયું છે. માત્ર બેન્ક, વીમા, મેડિક્લેમ જેવી સંસ્થાઓની ઓફિસો જ ચાલુ રહેશે. તે સિવાયની સરકારી ઓફિસો 50 ટકા સ્ટાફની ક્ષમતા સાથે ચાલુ રાખવાની રહેશે.