ગૃહપ્રધાન દેશમુખ સામે સીબીઆઈ તપાસ યોજોઃ હાઈકોર્ટ

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના કેસમાં આજે સુનાવણી કરતાં મુંબઈ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અનિલ દેશમુખ સામે 15-દિવસની અંદર જ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસ યોજવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પરમબીરસિંહે મુંબઈના પોલીસ કમિશનર પદેથી હોમ ગાર્ડ્સના કમાન્ડર જનરલ પદે એમની બદલી કરી દેવાયા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન અને ગવર્નરને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે દેશમુખે પોલીસ અધિકારી સચીન વાઝેને આદેશ આપ્યો હતો કે એમણે મુંબઈના બીયર બાર, રેસ્ટોરન્ટ્સ, પબ્સના માલિકો પાસેથી દર મહિને રૂ. 100 કરોડની ખંડણીની રકમ વસૂલ કરવી.

મહારાષ્ટ્રના ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણીની બેન્ચે આ કેસને અસાધારણ અને અભૂતપૂર્વ તરીકે ઓળખાવ્યો છે. કોર્ટે સીબીઆઈના ડાયરેક્ટરને આદેશ આપ્યો છે કે એજન્સી દ્વારા આ કેસમાં તપાસ 15 દિવસમાં જ પૂરી થવી જોઈએ. ન્યાયમૂર્તિઓએ સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં સીબીઆઈએ તત્કાળ એફઆઈઆર નોંધવાની જરૂર નથી, કારણ કે મહારાષ્ટ્ર સરકારે આ બાબતમાં ઉચ્ચ-સ્તરીય તપાસ સમિતિની નિમણૂક કરી જ દીધી છે. તેથી અમે એવું માની લઈએ છીએ કે આ વિષયમાં અમારે કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. તે છતાં આ કેસ અભૂતપૂર્વ છે, કારણ કે દેશમુખ ગૃહ પ્રધાન અને રાજ્યના પોલીસ દળના વડા છે. તેથી આમાં નિષ્પક્ષ તપાસ યોજાવી જોઈએ. રિપોર્ટ સુપરત કરાઈ જાય એ પછી સીબીઆઈના ડાયરેક્ટર એમને યોગ્ય લાગે એ રીતે ભાવિ પગલાં લઈ શકે છે.