જનતાને સ્વચ્છ વહીવટ આપીશું: ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટિલ  

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ગૃહપ્રધાનપદેથી અનિલ દેશમુખના રાજીનામા પછી એનસીપીના દિગ્ગજ નેતા દિલીપ વળસે-પાટિલે ગૃહપ્રધાન તરીકે પદભાર ગ્રહણ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે સામાન્ય જનતા અને મહિલાઓને ગૃહ મંત્રાલય પાસેથી ઘણી આશા હોય છે. જેથી અમે જનતાને સ્વચ્છ વહીવટ આપવા પ્રયાસ કરીશું.

આ સિવાય પોલીસ કામકાજમાં કોઈ પણ રાજકીય દખલ નહીં થાય. પોલીસ વિભાગ વધુ સારી રીતે કામ કરે એ માટે ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ પાસેથી વિચારવિમર્શ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

સાત વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા પાટિલ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના પર્સનલ અસિસ્ટન્ટ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. અંબેગાવના ધારાસભ્ય પાટિલ હાલમાં રાજ્યના એક્સાઇઝ અને લેબરપ્રધાન છે. તેમના પિતા ભૂતપૂર્વ કોંગ્રેસના દત્તાત્રેય વળસે-પાટિલ પણ શરદ પવારની નજીક હતા.

પાટિલ 1990માં આંબેગાવમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પહેલી ચૂંટણી જીતી હતી. જોકે 1999માં તેઓ પવારની સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી બહાર નીકળીને એનસીપીમાં જોડાયા હતા. પાટિલે કાયદોનો અભ્યાસ કર્યો છે, જ્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે એકમેકથી હાથ મિલાવ્યા હતા, ત્યારે તેઓ રાજ્યની વિધાનસભામાં નિર્ણાયક સમયે અધ્યક્ષ હતા.

મુંબઈ હાઈકોર્ટે ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની પ્રારંભિક સીબીઆઇને તપાસના આદેશ આપતાં તેમણે ગૃહપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

હાઇકોર્ટે સીબીઆઇને આ મામલે જોકોઈ ગુનો માલૂમ પડે તો FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે અને કહ્યું છે કે દેશમુખના ગૃહપ્રધાન હોવાથી નિષ્પક્ષ તપાસ થાય એ જરૂરી છે. પરમબીર સિંહે દેશમુખ પર પોલીસ તપાસમાં હસ્તક્ષેપ કરવાનો અને જબરજસ્તી વસૂલાત સહિતના ગંભીર આરોપ લગાવ્યા છે.