મુંબઈઃ અહીં ગોરેગાંવ (પૂર્વ) ઉપનગરમાં જંગલ વિસ્તાર તરીકે જાણીતા આરે કોલોનીમાં એક નર દીપડાને પાંજરામાં પૂરવામાં વનવિભાગના અધિકારીઓને આજે સફળતા મળી છે. જોકે તે હજી નક્કી થઈ શક્યું નથી કે શું આ એ જ દીપડો છે જેણે બે દિવસ પહેલાં વિસ્તારમાં દોઢ વર્ષની બાળકીને મારી નાખી હતી.
દીપડાને પકડવા માટે વનવિભાગના અધિકારીઓએ પાંજરૂં મૂકીને છટકું ગોઠવ્યું હતું. દીપડો જેવો એમાં ઘૂસ્યો કે સપડાઈ ગયો હતો. બાદમાં પાંજરાને સંજય ગાંધી નેશનલ પાર્કના રેસ્ક્યૂ સેન્ટરમાં લઈ જવામાં આવ્યું હતું. ગયા સોમવારે વહેલી સવારે આરે કોલોનીના યુનિટ-15માં એક મહિલા એની દોઢ વર્ષની પુત્રી સાથે બાજુના એક મંદિરે જતી હતી ત્યારે દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો અને બાળકીને તાણીને જંગલમાં ભાગી ગયો હતો. મહિલાએ બૂમાબૂમ કર્યા બાદ વનવિભાગે દીપડાને પકડવા માટે એક ટીમને તૈયાર કરી હતી. બાળકીનો મૃતદેહ બાદમાં જંગલમાંથી મળી આવ્યો હતો.