મહિલા ફ્લાઈટ ચૂકી-ગઈ: કોર્ટે ઉબેરને દંડ કર્યો

મુંબઈઃ અહીં એક મહિલા તેની ફ્લાઈટ ચૂકી ગઈ હતી. એનું કારણ એ છે કે કેબ ડ્રાઈવર તેને સમયસર એરપોર્ટ પહોંચાડી શક્યો નહોતો. એને કારણે મહિલાએ ઉબેર રાઈડ એગ્રીગેટર કંપની વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી હતી. કોર્ટે ચાર વર્ષ પછી ચુકાદો આપ્યો છે અને ઉબેર કંપનીને આદેશ આપ્યો છે કે તે ફરિયાદી મહિલાને આર્થિક વળતર પેટે રૂ. 20 હજાર ચૂકવે.

મુંબઈની પડોશના થાણે જિલ્લાના ડોંબિવલી શહેરમાં રહેતી તે મહિલાને 2018ની 12 જૂને મુંબઈથી સાંજે 5.50 વાગ્યાની ફ્લાઈટ પકડીને ચેન્નાઈ જવાનું હતું. એનાં ઘરથી એરપોર્ટ ઘણું દૂર છે એટલે એણે એરપોર્ટ પર સમયસર પહોંચી જવા માટે બપોરે સાડા ત્રણ વાગ્યે ઉબેર કેબ બૂક કરાવી હતી. કેબ ડ્રાઈવર 14 મિનિટ મોડો આવ્યો હતો. એ પછી એણે વધારે સમય વેડફી નાખતાં મહિલા એની ફ્લાઈટ ચૂકી ગઈ હતી.

મહિલાએ આરોપ મૂક્યો હતો કે ઉબેરનો તે ટેક્સી ડ્રાઈવર બેજવાબદાર અને અનપ્રોફેશનલ હોવાને કારણે પોતે ફ્લાઈટ ચૂકી ગઈ હતી. એને કારણે એને ત્યારપછીની ફ્લાઈટની ટિકિટ કઢાવવી પડી હતી. પોતે જ્યારે આ વિશે ઉબેર કંપનીને ફરિયાદ કરી તો કંપનીએ એને 139 રૂપિયાનું રીફંડ આપ્યું હતું. તે પછી મહિલાએ ઉબેરને કાયદેસર નોટિસ મોકલી હતી તો એનો પણ કંપનીએ જવાબ આપ્યો નહોતો.

મહિલાએ કહ્યું કે તે ડ્રાઈવર એના ફોન પર વાતો કરવામાં મગ્ન હતો એટલે તેણે રાઈડ શરૂ કરવામાં મોડું કર્યું હતું. ફોન કોલ પૂરો થયા બાદ અમુક મિનિટો સુધી ડ્રાઈવરે કેબ ચલાવી હતી અને તે પછી એ કારમાં ગેસ ભરાવવા ગયો હતો. એને કારણે મહિલા એરપોર્ટ પર મોડી પહોંચી, એની ફ્લાઈટ ચૂકી ગઈ અને સાથોસાથ એને માનસિક તાણ પણ થઈ. તેથી એણે ગ્રાહક અદાલતમાં ઉબેર કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને પોતાને 10-10 હજાર રૂપિયાના વળતરની માગણી કરી હતી.