“હાથી ઘોડા પાલખી…
જય કનૈયા લાલ કી… “
મુંબઈઃ અત્રેના કાંદિવલી (વેસ્ટ)સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં જન્માષ્ટમી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાથમિક સ્તરના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બાળ ગોપાલ અને રાધા બનીને આવ્યાં હતાં. શાળામાં જાણે સાક્ષાત વૃંદાવન ખડું થયાનું, ગોકુળ અવતર્યું હોય એવું દ્રશ્ય સર્જાયું હતું.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મની એક નાનકડી નાટિકા પણ દ્વારા બાળકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. એ દ્વારા એમને આપણા તહેવાર, ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. તદુપરાંત, બાળ ગોપાળનું પારણું સજાવીને, નૈવેદ્ય ધરીને બાળકો પાસે એ પારણું ઝુલાવડાવી હિંડોળાની ઝાંખી પણ કરાવવામાં આવી હતી. જેથી સહભાગી બાળકોનાં કૂણાં મનમાં આપણી સંસ્કૃતિનાં બીજ વાવી શકાય.
આ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગનાં આચાર્યા કવિતાબહેન મારૂ, પૂર્વ પ્રાથમિક વિભાગનાં આચાર્યા મનીષાબહેન ભટનાગરનાં માર્ગદર્શન હેઠળ શિક્ષક મંડળે ઉત્સાહ અને આનંદપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
