મુંબઈઃ અત્રે નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ગુરુપૂર્ણિમા પર્વ કાર્યક્રમના બીજા દિવસની ઉજવણીની આગેવાની એક એવા પરિવારે લીધી હતી જે છેક 17મી સદીથી ભારતીય શાસ્ત્રીય સંગીતનો વારસો જાળવી રાખવામાં ગુરુ-શિષ્યની પરંપરાના પ્રતિકસમાન છે. આ પરિવાર છે વિખ્યાત સરોદવાદક ‘પદ્મવિભૂષણ’ સમ્માનિત ઉસ્તાદ અમજદ અલી ખાન અને એમના પરિવારજનોનો.
નીતા અંબાણીએ ‘ધ ગ્રાન્ડ થિયેટર’ના સ્ટેજ પર ઉસ્તાદ અમજદ અલી, એમના બે પુત્રો – અમાન અલી બંગશ અને અયાન અલી બંગશ અને ઉસ્તાદના પૌત્રો – 10 વર્ષીય જોડિયા ભાઈઓ – ઝોહાન અલી અને અબીર અલી બંગશને આમંત્રિત કર્યા હતા અને આ પ્રતિષ્ઠિત કલાકારોની સરાહના કરી હતી. એમણે કહ્યું કે, ઉસ્તાદ અમજદ અલી ખાન અને એમના પરિવારનો પરફોર્મન્સ જીવનની ઉલ્લેખનીય સંગીત રચના દર્શાવે છે. આ પરિવાર સંગીતના વારસાનો અનોખો સંગમ છે, જે સમયથી પર છે અને ત્રણ અસાધારણ પેઢીને એક સાથે પરફોર્મ કરવાનો આનંદ પ્રાપ્ત કરે છે. નીતા અંબાણીએ પોતાનાં સંબોધનને અંતે ‘ગુરુ વંદના’નું પઠન કર્યું હતું.
ગુરુ અને શિષ્યના શાસ્વત બંધનને વાર્ષિક અંજલિ સ્વરૂપે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ‘પરંપરા: ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ’ નામક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાય છે.
ઉસ્તાદ અને એમના પરિવારજનોના પરફોર્મન્સને ‘ત્રણ પેઢી, એક વારસો’ શિર્ષક આપવામાં આવ્યું હતું. એમની સંગીત કળાનો આનંદ માણવા માટે ગ્રાન્ડ થિયેટર ખીચોખીચ ભરાઈ ગયું હતું.
ઉસ્તાદ અમજદ અલી ખાને એમના સંબોધનમાં નીતા અંબાણીનાં વિચારોને સમર્થન આપતા કહ્યું હતું કે બાળકનાં પ્રથમ ગુરુ એની જન્મદાતા માતા છે. ઉસ્તાદે કલ્ચરલ સેન્ટર જેવા મંચ પર ગુરુ પૂર્ણિમા ઉજવણી કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને કહ્યું કે આ એક ઉમદા પહેલ છે.