મુંબઈના ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ પ્રદીપ શર્મા શિવસેનામાં જોડાયા

મુંબઈ – આવતા જ મહિને મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે શહેરના પોલીસ બેડાનાં ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ તરીકે પ્રખ્યાત થયેલા ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા હવે રાજકારણમાં પ્રવેશ્યા છે અને આજે સાંજે અત્રે શિવસેના પાર્ટીમાં સામેલ થયા છે.

પ્રદીપ શર્મા એન્કાઉન્ટરમાં અનેક ગેંગસ્ટર, ત્રાસવાદીઓ અને કુખ્યાત ગુંડાઓને ઠાર કરવા માટે જાણીતા થયા છે.

શર્માએ ગયા જુલાઈમાં પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી તેઓ શિવસેનામાં જોડાશે એવી વાતો સંભળાતી હતી. આવી વાતો ચગવાનું કારણ એ હતું કે શર્મા શિવસેનામાં જોડાઈ રહ્યા છે એવો સંકેત આપતા કેટલાક બેનર્સ મુંબઈ શહેરમાં અમુક ઠેકાણે જોવા મળ્યા હતા.

પ્રદીપ શર્મા મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના નાલાસોપારામાંથી લડશે એવું મનાય છે.

1983માં પોલીસ સેવામાં કાર્યરત થયેલા પ્રદીપ શર્મા તરત જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સક્રિય બન્યા હતા.

મુંબઈ પોલીસ દળમાં સૌથી વધુ એન્કાઉન્ટર કરવાની કામગીરી શર્માએ સફળતાપૂર્વક બજાવી હતી.

શર્માએ પોલીસ સેવા દરમિયાન 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં સંડોવાયેલા લશ્કર-એ-તૈબાના ત્રણ આતંકવાદી તથા સુહાસ માકડવાલા, સાદિક કાલ્યા, રફીક ડબા, વિનોદ મટકર કુખ્યાત ગુંડાઓને ઠાર કર્યા હતા.

કહેવાય છે કે, વસઈ-વિરાર બેલ્ટમાં હિતેન્દ્ર ઠાકુર અને એમના પરિવારની ઈજારાશાહી તોડવા માટે શિવસેનાએ પ્રદીપ શર્માને પોતાની સાથે લીધા છે અને એમને નાલાસોપારામાં હિતેન્દ્ર ઠાકુરના પુત્ર ક્ષિતિજ ઠાકુરની સામે ચૂંટણીના મેદાનમાં ઉતારવાની પક્ષની યોજના હોય એવું કહેવાય છે.

ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે પ્રદીપ શર્માને ખભા પર કેસરી ધ્વજ અને એમના જમણા હાથના કાંડા પર ‘શિવ બંધન’ શિવસેના પાર્ટીમાં સામેલ કર્યા હતા. એ પ્રસંગે શિવસેનાનાં નેતા એકનાથ શિંદે, સચિવ મિલિંદ નાર્વેકર તથા અન્ય જાણીતા નેતાઓ હાજર હતા.

આજે શર્માને શિવસેનામાં સામેલ કર્યા બાદ પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. શર્માને આવકાર આપતાં ઠાકરેએ કહ્યું કે અમે કોઈને હરાવવા માટે નહીં, પણ જીતવા માટે લડીએ છીએ. માટે જ સારા લોકો અમારી સાથે જોડાય છે. હજી વધારે સારા લોકો શિવસેનામાં આવવાના બાકી છે. કોઈનું ખરાબ કરવાનો અમારો ઉદ્દેશ્ય નથી.

ઉદ્ધવે એક પોલીસ અધિકારી તરીકે પ્રદીપ શર્માએ બજાવેલી કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે એક કર્તવ્યનિષ્ઠ અધિકારી શિવસેનામાં સામેલ થયા છે એ મહત્ત્વની બાબત છે. પોલીસ સેવામાં એમણે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી. હવે તે નવી રાજકીય કારકિર્દીમાં પણ એ જ નિષ્ઠાથી કામ બજાવશે. અત્યાર સુધી એમની ગન બોલતી રહી હતી, હવે એમનું મન બોલશે.

શું પ્રદીપ શર્માને તમે નાલાસોપારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવશો? એવા સવાલના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઉતાવળ શું છે? જરાક ધીરજ રાખો. ચૂંટણીની તારીખ તો જાહેર થવા દો, બધું જણાવીશું.

પ્રદીપ શર્માએ પોતાના સંબોધનમાં પોતે શિવસેના પાર્ટીમાં સામેલ થયા એ વિશેના કારણો જણાવ્યા હતા. એમણે કહ્યું કે હું પોલીસ દળમાં હતો ત્યારથી જ હું બાળાસાહેબ ઠાકરેના પ્રચંડ પ્રભાવમાં હતો.

એમણે કહ્યું કે પોલીસ દળમાં હતો ત્યારે મને જ્યારે કોઈ અડચણ આવતી ત્યારે હું એમને મળતો અને તેઓ મારી સમસ્યા ઉકેલી આપતા હતા. બસ એટલા માટે જ મેં શિવસેનામાં જોડાવાનો નિર્ણય લીધો છે. મેં અત્યાર સુધી વ્યક્તિગત રીતે સામાજિક કામો કર્યા હતા, પણ હવે મને શિવસેના જેવા મોટા રાજકીય મંચ પર કામ કરવાની તક મળી છે જે હું ઝડપી લઈશ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]