સોશિયલ સ્ટોક એક્સચેન્જ એટલે શું?

સોશિયલ સ્ટોક એક્સચેન્જ સામાજિક સેવાના ઉદ્દેશ સાથે કામ કરશે અને એના માધ્યમથી સામાજિક સંસ્થાઓ, સામાજિક સાહસો, નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન (એનજીઓ) વગેરે સમાજના હિતમાં ભંડોળ ઊભું કરી શકશે.


તમને કોઈ એવી સંસ્થાના ઈક્વિટી શૅર, ડેટ સાધન અથવા યુનિટ ખરીદવાનું પસંદ પડે કે જેને ખરીદીને પરોક્ષ રીતે સામાજિક હિતમાં કે જાહેર હિતમાં કોઈ કાર્ય કરી શકો. તમને લાગે છે આવી સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ માટે નાણાભંડોળ ઊભું કરવા કોઈ રાષ્ટ્રીય મંચ એટલે કે સોશિયલ સ્ટૉક એક્સચેન્જ તરીકે સ્થપાય? વેલ, આવી ઘટના હવે આપણે ત્યાં પણ બનશે. બાંગ્લાદેશના નોબેલ વિજેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસે આ પ્રકારની પરિકલ્પના વરસો પહેલાં કરી હતી. થોડા વખત પૂર્વે સોશિયલ એન્ટરપ્રાઈઝિસનું વિઝન એમણે આપણી લોકસભા અને રાજ્યસભા સમક્ષ રજૂ કર્યું હતું. મુહમ્મદ યુનુસ પોતે સોશિયલ આન્ત્રપ્રેન્યૉર, અર્થશાસ્ત્રાળ, બૅન્કર પણ છે.

ટેકો મળે તો…

વરસ ૨૦૦૬માં શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મેળવનારા પ્રોફેસર મુહમ્મદ યુનુસનું કહેવું છે કે સોશિયલ બિઝનેસ એક મોટા ઉદ્યોગ સમાન છે, જેમાં બિઝનેસની પ્રવૃત્તિ સ્વ-નિર્ભર રહીને ચાલતી હોય. આ પ્રકારના પ્રયોગ એમણે બાંગ્લાદેશમાં કર્યા છે. વરસો પૂર્વે એમણે બાંગ્લાદેશમાં ગ્રામીણ બૅન્ક શરૂ કરી, જે આજે અનેક શાખા ધરાવવા ઉપરાંત એ દેશની સૌથી મોટી માઈક્રો ફાઈનાન્સ સંસ્થા છે, જે નીચલા, ગરીબસામાન્ય વર્ગને ધિરાણ આપે છે. સમાજમાં અનેક પ્રવૃત્તિઓ એવી છે, જેને સરકાર એકલી પહોંચી વળી શકતી નથી, પરંતુ સામાજિક હેતુથી કામ કરતી સંસ્થાઓ એમાં ભાગ લે તો સમાજના જરૂરિયાતમંદ વર્ગનાં હિતોની કાળજી લઈ શકાય.

બીજા દેશમાં પણ છે…

બાંગ્લાદેશમાં વિશાળ મલ્ટિનૅશનલ કંપનીઓના સહયોગમાં કે ભાગીદારીમાં સોશિયલ બિઝનેસને સફળતા મળી છે. પહેલો સોશિયલ બિઝનેસ ફ્રેન્ચની વિશાળ ડેરી કંપની ડેનોનના સંયુક્ત સાહસમાં ૨૦૦૫માં શરૂ થયો, જેમાં સોશિયલ બિઝનેસ હેઠળ બાંગ્લાદેશનાં ગરીબ-જરૂરિયાતમંદ બાળકોને અતિ રાહતના દરે યોગર્ટ (દહીં) કે એની બનાવટની ચીજો મળે એવી વ્યવસ્થા આ ડેરીએ કરી. બીજો સોશિયલ પ્રોજેક્ટ ફ્રેન્ચ વૉટર કંપની વિયોલિયા દ્વારા બાંગ્લાદેશનાં ગામડાંમાં કાર્યરત છે. જ્યાં શુદ્ધ પાણીની સમસ્યા છે ત્યાં પોષણક્ષમ ભાવે શુદ્ધ પાણી આપવામાં આવે છે. એ જ રીતે, અહીંના ગ્રામીણ ગરીબોને મદદરૂપ એવા ઈન્ટેલ કૉર્પોરેશન ગ્રામીણ ઈન્ટેલ નામનું સંયુક્ત સાહસ સોશિયલ બિઝનેસ ચલાવે છે. એ જ રીતે, અદિદાસ બ્રાન્ડનાં જૂતાં બનાવતી કંપની રાહતના દરે જૂતાં બનાવીને વેચે છે, જેથી કોઈ પણ ગરીબ વ્યક્તિ જૂતાં વિનાની ન રહે.

નવી દિશા…

અનેક સામાજિક સંસ્થા સમાજસેવાનાં કાર્ય કરે છે, પણ સોશિયલ બિઝનેસ સ્વરૂપે વધુ ને નક્કરપણે સમાજના હિતમાં કામ થઈ શકે છે અને એને મળે એ માટે એક સોશિયલ સ્ટૉક એક્સચેન્જનો વિચાર તાજેતરમાં બજેટમાં રજૂ થયો, જેમાં સોશિયલ એન્ટરપ્રાઈઝિસ સ્ટૉક માર્કેટ પર લિસ્ટેડ થઈ શકે.

આ મુદ્દે રોકાણકારના મનમાં પહેલેથી એ સ્પષ્ટ હોય કે એના આ રોકાણ પર એને ડિવિડંડનો લાભ કદાચ મળે કે ન પણ મળે, પરંતુ એને સમાજને સહાયરૂપ થવાનું ગૌરવ-સંતોષ જરૂર મળશે. કંપનીઓ પોતાની સીએસઆર (કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) પ્રવૃત્તિના ભાગરૂપ આંશિક બિઝનેસને આવા સાહસ તરફ વાળી શકે.

ભારતીય ઉદ્યોગગૃહો આ માર્ગે આગળ આવી શકે

ભારતની પરંપરા, પ્રથા અને સંસ્કૃતિમાં પણ સમાજના જરૂરિયાતમંદ વર્ગ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે તો પછી શા માટે એને સોશિયલ બિઝનેસનું સ્વરૂપ આપીને વધુ પ્રોફેશનલ અભિગમ સાથે એનો અમલ ન થઈ શકે?

સરકાર સાથેની ભાગીદારીમાં રોડ, બ્રિજ, બંદરો સહિત અનેક જાહેર પ્રોજેક્ટો હાથ ધરવામાં આવે છે, જેમાં રોજગારી સર્જન ઉપરાંત વિકાસ પણ થાય છે. સોશિયલ બિઝનેસના અને સોશિયલ સ્ટૉક માર્કેટના વિચારને વિકસાવી તેમ જ એને સફળ બનાવી ભારત નવાં મૂલ્ય સ્થાપી શકે છે.

વૈશ્ર્વિક સ્તરે કેનેડા, સિંગાપોર, કેન્યા અને બ્રિટનમાં પણ સોશિયલ સ્ટૉક એક્સચેન્જ અથવા સમકક્ષ મંચ છે. એ દરેકનાં પોતાનાં આગવાં મોડેલ છે, જે બધાં સામાજિક સાહસોને ભંડોળ ઊભું કરવાની તક આપે છે.

આપણે ત્યાં પણ આવું એક્સચેન્જ આ વર્ષના અંતે કાર્યરત થઈ જશે.

સમાચાર સંકેત

  • સોશિયલ સ્ટૉક એક્સચેન્જને સેબી બીએસઈ અને એનએસઈના એક સેગ્મેન્ટ તરીકે વિકસાવવા માગે છે.
  • ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર (એફપીઆઈ) પર બજેટમાં દાખલ કરવામાં આવેલા ઊંચા સરચાર્જમાં સરકાર ચોક્કસ રાહત આપવાનું વિચારે છે.
  • કૉર્પોરેટ ગવર્નન્સના મામલે સેબી અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા હાલ આમને-સામને થઈ ગયાં છે.

(લેખકઃ જયેશ ચિતલિયા)