મની લોન્ડરિંગ કેસઃ ચંદા કોચરને જામીન મંજૂર

મુંબઈઃ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિશેષ અદાલતે ખાનગી ક્ષેત્રની બેન્ક, ICICI બેન્કનાં ભૂતપૂર્વ સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચરને જામીન મંજૂર કર્યા છે. કોર્ટે પાંચ લાખ રૂપિયાના બોન્ડ પર ચંદા કોચરને જામીન આપ્યા છે. પરંતુ એમને આદેશ આપ્યો છે કે એમણે કોર્ટની પરવાનગી લીધા વગર ભારતની બહાર જવું નહીં.

ICICI બેન્કે 2009 અને 2011માં વિડિયોકોન ગ્રુપને કુલ રૂ. 1,875 કરોડની લોન આપી હતી. બેન્કે 2009માં વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ કંપનીને રૂ. 300 કરોડની લોન અને 2011માં વિડિયો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂ. 750 કરોડની લોન મંજૂર કરી હતી. ચંદા કોચર એ વર્ષોમાં બેન્કનાં સીઈઓ અને એમડી હતાં અને લોન મંજૂર કરનાર સમિતિનાં સભ્ય હતાં. સમિતિ તથા ચંદાએ એ નિર્ણયો લઈને બેન્કના નિયમન અને નીતિનું ઉલ્લંઘન કર્યું હતું.