મુંબઈ – કરોડો રૂપિયાની રકમને સંડોવતા લોન કૌભાંડના કેસની તપાસના સંબંધમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આજે અહીં ICICI બેન્કનાં ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચરની રેસિડેન્શિયલ પ્રોપર્ટી અને શેરને કામચલાઉ રીતે ટાંચ મારી છે.
પૈસાના બદલામાં લોનના કૌભાંડમાં હાલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને ઈડી એજન્સીઓ તપાસ કરી રહી છે.
ચંદા કોચરની આશરે રૂ. 78 કરોડની કિંમતની સંપત્તિને ટાંચ મારવામાં આવી છે.
એએનઆઈના અહેવાલ મુજબ, ચંદા કોચર તથા એમનાં પરિવારની અનેક પ્રોપર્ટીને ટાંચ મારવામાં આવી છે. આમાં એમના મુંબઈના એક ફ્લેટ તથા એમનાં પતિ દીપક કોચરની કંપનીની પ્રોપર્ટીઓનો સમાવેશ થાય છે.
ઈડી એજન્સી ભૂતકાળમાં અનેક વાર કોચર દંપતીની પૂછપરછ કરી ચૂકી છે.
આ કેસ ICICI બેન્ક દ્વારા 2009-2011ના વર્ષો વચ્ચે વિડિયોકોન ગ્રુપને રૂ. 1,875 કરોડની લોનને મંજૂર કરવામાં કથિતપણે કરવામાં આચરવામાં આવેલી ગેરરીતિ અને ભ્રષ્ટ પદ્ધતિઓને લગતો છે.
ઈડીનો આરોપ છે કે ICICI બેન્કનું નેતૃત્ત્વ કરતી વખતે ચંદા કોચરે એમનાં પતિ દ્વારા સંચાલિત કંપની ન્યૂપાવર રીન્યૂએબલ્સ લિમિટેડને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપ્યા હતા.