મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ગઈ કાલે રચવામાં આવેલી નવી સરકાર વિશે આજે અહીં પત્રકાર પરિષદમાં ટિપ્પણી કરી હતી અને જણાવ્યું કે નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શિવસેનાના મુખ્ય પ્રધાન નથી.
ઉલ્લેખનીય છે કે, શિંદે શિવસેનાના અસંતુષ્ટ વિધાનસભ્ય છે અને તેમણે ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકારીને રાજ્યમાં રાજકીય સંકટ ઊભું કરી દીધું છે. ઉદ્ધવની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયા બાદ 24 કલાકમાં જ, ગઈ કાલે શિંદેએ નવા, 20મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. એમની સાથે એમના ડેપ્યુટી તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા હતા.
આજે અહીં શિવસેના ભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કહેવાતા શિવસેના કાર્યકર્તાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. જે રીતે સરકારની રચના કરવામાં આવી છે અને કહેવાતા શિવસેના કાર્યકર્તાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે, એ વિશે મેં અમિત શાહને પણ જણાવ્યું છે. મેં એમને કહ્યું કે, અઢી વર્ષ પૂર્વે તમે મને આપેલા વચનનું પાલન કર્યું હોત તો આજે આવી નોબત આવી ન હોત. મહાવિકાસ આઘાડીનો જન્મ જ થયો ન હોત. એ વખતે એવો પ્રસ્તાવ હતો કે અઢી વર્ષ માટે શિવસેનાનો મુખ્ય પ્રધાન હોય અને બીજા અઢી વર્ષમાં ભાજપનો મુખ્યપ્રધાન હોય. જે પદ માટે ભાજપે વચનભંગ કર્યો એ પદ પર એનો મુખ્યપ્રધાન આજે પણ બેસી શક્યો નથી. આવા બેસાડેલા મુખ્ય પ્રધાન શિવસેનાના નથી. શિવસેનાને બાજુએ કરીને શિવસેનાનો મુખ્ય પ્રધાન હોઈ જ ન શકે.