સામ માણેકશાને સંરક્ષણ દળ, નાગરિકો તરફથી શ્રદ્ધાંજલિ અપાઈ

મુંબઈઃ દેશના પ્રથમ ફીલ્ડ માર્શલ અને શૌર્ય તથા દેશભક્તિના પ્રતીક સમાન સામ માણેકશાની પુણ્યતિથિ નિમિત્તે હાલમાં સંરક્ષણ દળો તથા નાગરિકો તરફથી તેમને સંયુક્તપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ મુંબઈના કોલાબા વિસ્તારમાં લશ્કરી મથકના શહીદ સ્મારકે યોજવામાં આવ્યો હતો.

સામ બહાદુરના હુલામણા નામે ઓળખાતા ફીલ્ડ માર્શલ સામ માણેકશા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા. ફીલ્ડ માર્શલ તરીકે બઢતી આપવામાં આવેલા તેઓ ભારતીય લશ્કરના પ્રથમ અધિકારી હતા.

ઉક્ત કાર્યક્રમમાં લેફ. જન. એચ. એસ. કાહલોન ઉપરાંત સામ માણેકશાના પૌત્ર જેહાન માણેકશા, બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટીઓ અને પારસી સમુદાયના લોકો જોડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકરો – પરવિન દારૂવાલા અને હોશેદાર ઈલાવિયાએ કર્યું હતું. એમાં સંરક્ષણ દળના અધિકારીઓએ સહયોગ આપ્યો હતો. બરજિસ ઝવેરીએ આભારવિધિ કર્યો હતો.