મુંબઈઃ દેશના આ આર્થિક પાટનગરમાં વધુ ને વધુ વાહનચાલકો લાપરવાહ બની રહ્યા છે. તેઓ ટ્રાફિક નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. આને કારણે મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગે વધારે કડક બનવાનું નક્કી કર્યું છે. બેફામ સ્પીડમાં વાહન ચલાવનારાઓને પકડવામાં અને એમની સામે કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસને સોશિયલ મિડિયાનો મોટો સહારો મળ્યો છે. ઘણા લોકો સોશિયલ મિડિયા મારફત પોલીસને ફરિયાદ કરતા હોય છે. ફરિયાદનો ધોધ વધી જતા પોલીસે ગુનેગારો માટે ઈ-ચલણ પ્રક્રિયા શરૂ કરી છે. શરાબ પીને કાર-વાહન હંકારનાર લોકોને, વિરુદ્ધ દિશામાં કાર હંકારનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આને લીધે ગયા વર્ષના પહેલા છ મહિનાની સરખામણીમાં આ વર્ષના જાન્યુઆરીથી 15 જુલાઈ સુધીમાં ઈ-ચલણનું ઈસ્યૂ કરવાનું પ્રમાણ વધારે રહ્યું છે.
પેસેન્જરોને નજીકના અંતરે લઈ જવાની ના પાડનાર ટેક્સી અને ઓટો-રિક્ષા ડ્રાઈવરો, વૃદ્ધજન અને બીમાર લોકો હાથ બતાવે તે છતાં ટેક્સી કે રિક્ષા ઊભી ન રાખનાર ડ્રાઈવરો સામે પણ ટ્રાફિક પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. એમને પણ ઈ-ચલણ ફટકારીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
આ વર્ષે પહેલા સાડા છ મહિનામાં, ભાડું નકારનાર રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો સામે લગભગ 2 લાખ 29 હજાર ચલણ ઈસ્યૂ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે આ આંકડો ઘણો ઓછો હતો. ખોટી દિશામાં વાહન હંકારનાર 25,724 જણ, સીટબેલ્ટ ન પહેરનાર 1 લાખ 31 હજાર લોકો સામે ગુનો નોંધી એમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.