આત્મહત્યા ન કરવા મરાઠા આંદોલનકારોને મુંબઈ હાઈકોર્ટની અપીલ

મુંબઈ – હાઈકોર્ટે આજે મરાઠા સમાજના સભ્યોને અપીલ કરી હતી કે તેઓ આત્મહત્યા કે હિંસા કરવા જેવા અંતિમ પગલાં ભરવાનું ટાળે, કારણ કે અનામત માટેની માગણીનો કેસ હાલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

ન્યાયમૂર્તિઓ રણજીત મોરે અને અનુજા પ્રભુદેસાઈની વિભાગીય બેન્ચે જણાવ્યું છે કે, અમને આશા છે અને વિશ્વાસ છે કે મરાઠા સમાજના સભ્યો હિંસા નહીં કરે કે આત્મહત્યા જેવું અંતિમ પગલું નહીં ભરે.

પછાત વર્ગોના પંચે અહેવાલ તૈયાર કરવાના કાર્યમાં કરેલી પ્રગતિ અંગે મહારાષ્ટ્ર સરકારે આજે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યા બાદ ન્યાયાધીશોની બેન્ચે મરાઠા આંદોલનકારોને ઉપર મુજબ વિનંતી કરી હતી.

વરિષ્ઠ ધારાશાસ્ત્રી રવિ કદમ અને સરકારી અરજદાર અભિનંદન વગ્યાનીએ કોર્ટને જાણકારી આપી હતી કે ઓબીસી પંચમાં નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. તેઓ મહારાષ્ટ્રભરમાંથી વિગતો મેળવી રહ્યા છે. એમનો અહેવાલ આવતી પાંચ સપ્ટેંબર સુધીમાં મળી જવાની ધારણા છે.

ત્યારબાદ પંચ એનો અભ્યાસ કરસે અને પોતાનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને નવેંબરના અંત સુધીમાં સુપરત કરી દેશે.

ન્યાયાધીશોએ સરકારને કહ્યું છે કે તમે પંચને વિનંતી કરો કે તે એનું કામ ઝડપથી પૂરું કરે. અમને સમાજની ચિંતા છે.

ત્યારે રવિ કદમે ન્યાયાધીશોને કહ્યું હતું કે સરકાર પંચને કામ જલદી પૂરું કરવા કહી શકે નહીં, કારણ કે એ સ્વાયત્ત સંસ્થા છે અને કામ કરવાના એના પોતાના નિયમો છે.

મરાઠા સમાજને જાહેર સેવાઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણય સામે 2014ના નવેંબરમાં હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો હતો અને કહ્યું હતું કે અનામત વિશે સુપ્રીમ કોર્ટે ઓલરેડી કાયદો ઘડ્યો છે જે મુજબ, અનામતનો આંકડો કુલ સીટોના 50 ટકાથી વધવો ન જોઈએ.