મુંબઈઃ આ વર્ષે કોરોના મહામારીનો ડર ગાયબ થઈ ગયો હોવાથી લોકો દિવાળીની ઉજવણીના મૂડમાં છે, પરંતુ મુંબઈ અને પડોશના નવી મુંબઈમાં ફટાકડા ફોડવા માટે લોકોએ વધારે પૈસા ખર્ચવા પડશે, કારણ કે કોરોના પૂર્વેના સમયગાળાની સરખામણીમાં આ વર્ષે ફટાકડાની કિંમત 40 ટકા વધારે છે.
ફટાકડાના વેપારીઓમાં ઉત્સાહ ઓછો જણાય છે. એમનું કહેવું છે કે છેલ્લા બે વર્ષ તો કોરોનાને કારણે એમને ફટાકડાનો કોઈ ધંધો થયો નહોતો. આ વર્ષે નિયંત્રણો ઉઠાવી લેવાયા છે, પણ ફટકાડાની કિંમત વધારે હોવાથી ખરીદદારો ઓછા આવે છે. ફટાકડા બનાવવા માટેના રસાયણો તથા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જતાં ફટાકડાની કિંમત 40 ટકા જેટલી વધી ગઈ છે. આ વર્ષે ખરીદદારો કરતાં વેચાણકારોની સંખ્યા વધારે છે, એમ નવી મુંબઈની એપીએમસી માર્કેટના એક વેપારીનું કહેવું છે.