પ્લાસ્ટિક-પ્રતિબંધનો કડક અમલ કરાવવાનો મહારાષ્ટ્ર સરકારનો સંકલ્પ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર પ્રદૂષણમુક્ત દિવાળી તહેવાર ઉજવવા દ્રઢનિશ્ચયી છે. તે અંતર્ગત રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે અહીં શાળાના વિદ્યાર્થીઓ, મંત્રાલયના કર્મચારીઓ અને અધિકારીઓની સાથે મળીને પ્રદૂષણમુક્ત દિવાળી ઉજવવાનો સંકલ્પ કર્યો હતો. એ વખતે પોતાના સંબોધનમાં શિંદેએ સિંગલ યુઝવાળા પ્લાસ્ટિક પરના પ્રતિબંધ અંગે સરકારની ભૂમિકા વિશે જણાવ્યું હતું.

શિંદેએ કહ્યું કે, વાતાવરણમાં પરિવર્તનના દુષ્પરિણામો સર્વત્ર અનુભવી શકાય છે. તેથી પર્યાવરણનું રક્ષણ કરવાની આવશ્યક્તાને ધ્યાનમાં રાખીને પ્રદૂષણમુક્ત દિવાળી ઉજવવા સરકાર પ્રતિબદ્ધ છે. તે અંતર્ગત આજે મંત્રાલયમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સિદ્ધિ નિકમ નામની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીએ મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન સહિત સહુને સંકલ્પ કરાવ્યો હતો. એમાં તેણે એવી અપીલ કરી હતી કે જો સરકાર સિંગલ વપરાશવાળા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દે તો નાગરિકોએ પણ દૈનિક વપરાશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. વિદ્યાર્થિનીની આ અપીલના પ્રતિસાદમાં શિંદેએ કહ્યું કે, સિંગલ વપરાશવાળા પ્લાસ્ટિકના ઉપયોગ પર સરકારે પ્રતિબંધ મૂકેલો જ છે અને હવે તેનો કડક રીતે અમલ કરાવવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]