લોકડાઉનમાં મદદે આવી મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. એને પગલે ટ્રાન્સપોર્ટ સેવા પણ બંધ કરવામાં આવી હતી. પરંતુ લોકડાઉનના સમયગાળામાં અને ત્યારબાદ શરૂ કરાયેલી અનલોક પ્રક્રિયામાં મુંબઈમાં રેલવેએ મદદગારની ભૂમિકા બજાવી છે. મધ્ય અને પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગોની ટ્રેનો જીવનવાહિની સાબિત થઈ છે. આ બંને વિભાગે આવશ્યક ચીજવસ્તુઓના દેશભરમાં ટ્રાન્સપોર્ટેશન કરવાની સુવિધા માટે સેંકડો સ્પેશિયલ પાર્સલ ટ્રેનો દોડાવી છે.

મધ્ય રેલવેએ સ્પેશિયલ પાર્સલ ટ્રેનો દ્વારા અત્યાર સુધીમાં 11,400 ટન આવશ્યક ચીજવસ્તુઓને પહોંચતી કરી છે તો પશ્ચિમ રેલવેએ પણ હજારો ટન દવાઓ, તબીબી સાધનસામગ્રી, અનાજ, દૂધ, ખેતઉત્પાદનો વગેરે ચીજવસ્તુઓ દેશમાં ઠેકઠેકાણે પહોંચાડી છે.

મધ્ય રેલવેના મુંબઈ વિભાગે એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં સ્પેશિયલ પાર્સલ ટ્રેનોની 356 ટ્રિપ્સ કરાવી છે. તો પશ્ચિમ રેલવેએ ત્રણ પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની કુલ 293 અતિરિક્ત ટ્રિપ્સની તારીખોને 31 ડિસેંબર સુધી લંબાવી દીધી છે. આ ત્રણ ટ્રેન છે – બાન્દ્રા ટર્મિનસથી જમ્મુ-તવી (121 ટ્રિપ્સ), ઓખા-ગુવાહાટી (69 ટ્રિપ્સ) અને પોરબંદર-શાલીમાર (103 ટ્રિપ્સ). આ ટ્રેનો દ્વારા પશ્ચિમ રેલવેએ 23 માર્ચથી 28 ઓગસ્ટ સુધીમાં 1.10 લાખ ટન આવશ્યક ચીજવસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન કર્યું છે.

આ ટ્રાન્સપોર્ટેશનથી પશ્ચિમ રેલવેને રૂ. 36 કરોડથી વધુની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન રેલવેએ 80 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે અને વેગનો દ્વારા 60,700 ટન દૂધનું વહન કર્યું છે.

એવી જ રીતે, 391 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો દ્વારા 36,600 ટન ચીજવસ્તુઓ સંબંધિત સ્થળના સ્ટેશનોએ પહોંચતી કરી છે.

મધ્ય રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી કલ્યાણ માર્ગે થઈને હઝરત નિઝામુદ્દીન, શાલીમાર, હાવડા, સિકંદ્રાબાદ, ચેન્નાઈ, વાડી, નાગપુર વગેરે સ્થળે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, મશીનરીનાં ભાગ, પ્રિન્ટિંગ સાહિત્ય અને ટપાલ બેગો સહિત અંદાજે 8,900 ટન જડ પાર્સલનું ટ્રાન્સપોર્ટેશન કર્યું છે.