કોરોનાઃ મામુલી લક્ષણવાળા દર્દીઓને 10 દિવસમાં ડિસ્ચાર્જ મળશે

મુંબઈઃ કોરોના વાઈરસ (કોવિડ-19) દર્દીઓને કોવિડ-કેર સેન્ટરોમાંથી રજા આપવાના મુદ્દે કેન્દ્ર સરકારે નવી નિયમાવલી જાહેર કરી છે. તે અનુસાર, અતિમામુલી લક્ષણ પણ ન હોય એવા કોરોના દર્દીઓને સાતમા, આઠમા અને નવમા દિવસે પણ જો તાવ ન હોય તો દસમા દિવસે એમને ડિસ્ચાર્જ કરી દેવાના રહેશે.

કેન્દ્ર સરકારના નવા નિયમો અનુસાર હવે રાજ્યોમાં પણ કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવા મામલે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

મામુલી અથવા કોરોનાના લક્ષણ ન હોય એવા દર્દીઓ માટે

સાતમા, આઠમા અને નવમા દિવસે પણ તાવ ન હોય તો એમને દસમા દિવસે ડિસ્ચાર્જ આપી દેવું. એ માટે કોવિડ તપાસની જરૂર નથી. ડિસ્ચાર્જ મેળવ્યા પછી સંબંધિત દર્દીએ 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું ફરજિયાત. ડિસ્ચાર્જ આપ્યા પૂર્વે દર્દીમાં ઓક્સીજનનું પ્રમાણ 95 ટકાથી ઓછું હોય તો એને ડેડિકેટેડ કોવિડ સેન્ટરમાં દાખલ કરવા. ડિસ્ચાર્જ કરાયા બાદ જો આવા દર્દીઓને ફરીથી તાવ ચડવાનું અને ઉધરસ શરૂ થાય કે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય તો એણે ફોન નંબર 1075 પર કોવિડ કેર સેન્ટરનો સંપર્ક સાધવાનો રહેશે.

સરેરાશ લક્ષણ ધરાવતા દર્દીઓ માટે

ત્રણ દિવસમાં જો દર્દીનો તાવ ઓછો ન થાય અને ઓક્સીજન આપવાની જરૂર પડે તો આવા લક્ષણ ખતમ થાય તેમજ 3 દિવસ ઓક્સીજન સેચ્યૂરેશન મેન્ટેન અવસ્થામાં હોય તો જ હોસ્પિટલમાંથી રજા આપવી. 10 દિવસ પછી આવા દર્દીઓને ડિસ્ચાર્જ કરતી વખતે ફરીથી કોવિડની તપાસ કરવી જરૂરી નથી. તેમજ ડિસ્ચાર્જ બાદ એમણે સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત.

ગંભીર દર્દીઓ માટે

સંપૂર્ણપણે સાજા થઈ ગયા બાદ અને કોરોના ટેસ્ટ પાસ કર્યા બાદ પણ દર્દીને ડિસ્ચાર્જ કરી શકાશે.