243 ભારતીય નાગરિકોનું સિંગાપોરથી સ્વદેશાગમન

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે સિંગાપોરમાં ફસાઈ ગયેલા 243 ભારતીય નાગરિકોના પહેલા જૂથને આજે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. એમની સાથેનું વિમાન આજે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. વિદેશમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોને સહીસલામત રીતે સ્વદેશ પાછા લાવવા માટે ભારત સરકારે ‘વંદે ભારત મિશન’ નામે આ કામગીરી શરૂ કરી છે. એ માટે એર ઈન્ડિયાના ખાસ વિમાન સેવા તેમજ ભારતીય નૌકાદળ તરફથી જહાજ સેવા શરૂ કરવામાં આવી છે.

આ વિમાનમાં 21 ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે.

તમામ પ્રવાસીઓને એર ઈન્ડિયા તરફથી પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ, ફેસ શિલ્ડ્સ આપવામાં આવ્યા હતા.

સિંગાપોરથી આ ભારતીય નાગરિકોનું બીજું જૂથ સ્વદેશ મોકલવામાં આવ્યું છે. એ માટે સિંગાપોરમાંની વ્યવસ્થા ત્યાંના ભારતીય રાજદૂત જાવેદ અશરફે સંભાળી હતી.

મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચેલા તમામ પ્રવાસીઓનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમાંના જે લોકો મુંબઈના રહેવાસીઓ હતા એમને એરપોર્ટની નજીકની હોટેલ્સમાં ફરજિયાત સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય શહેરોના લોકોને એમના શહેર ખાતે મોકલી દેવામાં આવ્યા છે જ્યાં જઈને એમણે ત્યાંની હોટેલ્સમાં ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન થવું પડશે.

(તસવીરોઃ દીપક ધુરી)