મહારાષ્ટ્રમાં નાઈટ-કર્ફ્યૂની સંભાવના

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર ફેલાવાની સંભાવનાને લીધે દહી-હાંડી અને ગણપતિ ઉત્સવ પૂર્વે અધિક નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકાર તરફથી સલાહ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાદવા વિચારી રહી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે આ વિશેનો નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે લેશે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં ઓણમ ઉત્સવની ઉજવણી બાદ કોરોનાના કેસોમાં ઓચિંતો તીવ્ર ઉછાળો આવ્યા બાદ તે રાજ્યની સરકારે રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાદ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર સરકારને સલાહ આપી છે કે આગામી ઉત્સવોની જાહેરમાં ઉજવણીઓ પર તે સ્થાનિક સ્તરે નિયંત્રણો લાદે, કારણ કે લોકો ઉત્સવોની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ભેગાં થશે તો એવા કાર્યક્રમો કોવિડ-19ના સુપર-સ્પ્રેડર બની શકે છે.