મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોનાવાઈરસ બીમારીનો ફેલાવો રોકવા માટે લાગુ કરેલા લોકડાઉન કડક નિયંત્રણોને 1 જૂનની સવારે 7 વાગ્યા સુધી લંબાવ્યા છે. અગાઉની જાહેરાત મુજબ, આ નિયંત્રણો 15 મેએ સવારે 7 વાગ્યે સમાપ્ત થવાના હતા, પરંતુ કોરોના પરિસ્થિતિ પર જામી રહેલા અંકુશને ધ્યાનમાં રાખીને સરકારે આ નિયંત્રણોને 1 જૂન સુધી લંબાવી દીધા છે. કોરોનાના સંભવિત ત્રીજા તબક્કાનો સામનો કરવાના પ્રયાસરૂપે અમલમાં મૂકાયેલા ‘બ્રેક ધ ચેન મિશન’ અંતર્ગત લાગુ કરાયેલા નિયંત્રણોની મુદતને લંબાવવાની ભલામણ કરી હતી. આજે રાજ્ય સરકારે ત્રણ-પાનાંનો ઓર્ડર ઈસ્યૂ કર્યો છે જેની પર રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેની સહી છે.
નવા આદેશ અનુસાર, જે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ટ્રાન્સપોર્ટ માધ્યમથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે એની પાસે તેનો પોતાનો નેગેટિવ RTPCR ટેસ્ટ રિપોર્ટ હોવો આવશ્યક રહેશે, વળી આ રિપોર્ટ તેને મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યાના વધુમાં વધુ 48 કલાક પૂર્વે ઈસ્યૂ થયેલો હોવો જોઈએ. રાજ્યભરમાં, દૂધ એકત્રિકરણ કામગીરીઓ, ટ્રાન્સપોર્ટ અને પ્રોસેસિંગની પ્રક્રિયા ઉપર કોઈ નિયંત્રણ નહીં રહે, પરંતુ દૂધના રીટેલ વેચાણને દુકાનો પર મૂકાયેલા નિયંત્રણોને આધારે પરવાનગી રહેશે, જેમ કે આવશ્યક ચીજવસ્તુઓની જેમ તેની હોમ ડિલીવરી કરી શકાશે.