ગ્રીન, ઓરેન્જ ઝોનમાં અવરજવરની પરવાનગી કદાચ અપાશેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાઈરસને કારણે રાજ્યમાં લાગુ રહેલા લોકડાઉનની સ્થિતિ અંગે આજે ફરી રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. રાજ્યમાં લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાં વિશે એમણે વાત કરી હતી.

ઠાકરેએ કહ્યું કે 20 એપ્રિલથી રાજ્યમાં લોકડાઉનમાં તબક્કાવાર છૂટ આપવામાં આવશે.

જોકે નાગરિકોને તેમણે વિનંતી પણ કરી છે કે જે વિસ્તારોમાં અવરજવરની છૂટ આપવામાં ન આવે ત્યાંના લોકો ઘરની બહાર નીકળવાનું બિનજરૂરી સાહસ ન કરે.

ઠાકરેએ એ વાતની નોંધ લીધી હતી કે મહારાષ્ટ્રમાં અમુક રાજ્યોમાં કોરોના વાઈરસના ખૂબ ઓછા કેસ નોંધાયા છે. રાજ્યના જે જિલ્લાઓમાં કોરોનાનો ચેપ લાગ્યો નથી ત્યાં અને ઓરેન્જ ઝોનમાં નાણાકીય કામકાજો થવા દેવામાં આવશે, પરંતુ જિલ્લાઓની સીમાઓ તો બંધ જ રખાશે.

ઠાકરેએ સ્થળાંતરિત કામદારો-મજૂરોને ફરી ખાતરી આપી હતી કે દેશવ્યાપી લોકડાઉન જેવું ઉઠાવી લેવામાં આવશે કે તરત એમને તેમના વતન જવાની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે ત્યાં સુધી તમે આ જ રાજ્યમાં રહો.

20 એપ્રિલથી મહારાષ્ટ્રમાં જૂજ જિલ્લાઓમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા દેવાનો સરકારનો પ્લાન છે.