રસી-ન-લેનારાઓને પણ લોકલ-ટ્રેનોમાં પ્રવાસ કરવા દોઃ મુંબઈ-હાઈકોર્ટ

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસી ન લીધી હોય એવા નાગરિકોને પણ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવા વિશે વિચારવાનું મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને ન્યાયમૂર્તિ મકરંદ કર્ણિકની બેન્ચે કહ્યું છે કે રસી ન લેનાર નાગરિકોને ઉપનગરીય લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા રોકતા SOPs (માનક સંચાલક પ્રક્રિયાઓ કે નિયમો)ને ઉઠાવી લેવા વિશે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જ જોઈએ.

ન્યાયાધીશોએ એવું અનુમાન પણ વ્યક્ત કર્યું છે કે મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19 બીમારીની પરિસ્થિતિને સુંદર રીતે સંભાળી છે, પરંતુ રાજ્યનું નામ બદનામ થતું રોકવા માટે તેણે રસી ન લેનાર નાગરિકોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા રોકવાના નિયમો હવે ઉઠાવી લેવા જોઈએ. અદાલતે આજે બપોરે સુનાવણી ફરી આગળ વધારી હતી. કોર્ટના આદેશાનુસાર, રાજ્યના મુખ્ય સચિવે સરકારનો જવાબ રજૂ કર્યો હતો. સરકારે કહ્યું છે કે તે આ બાબતમાં 25 ફેબ્રુઆરી સુધીમાં નિર્ણય લેશે. મોટે ભાગે સરકાર SOPs ને લગતાં સર્ક્યૂલરો પાછાં ખેંચી લેશે.