અનલોકઃ લેવલ-3ના નિયંત્રણો 27-જૂન સુધી લાગુ રહેશે

મુંબઈઃ કોરોનાવાઈરસ પોઝિટિવિટી રેટ ઘટી ગયો હોવા છતાં આ મહાનગરને અનલોક પ્રક્રિયા અંતર્ગત લેવલ-3ના નિયંત્રણો હેઠળ જ રખાશે, મહાનગરપાલિકા (બીએમસી)નું કહેવું છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જણાવ્યા મુજબ, લેવલ-3 અંતર્ગત નિશ્ચિત કરાયેલા નિયંત્રણોમાં આવશ્યક તથા બિન-આવશ્યક, એમ બંને પ્રકારની દુકાનોને સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા દેવામાં આવશે. જ્યારે શોપિંગ મોલ્સ, થિયેટરો અને મલ્ટીપ્લેક્સીસ બંધ જ રહેશે. તે ઉપરાંત માત્ર આવશ્યક સેવાઓના કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓને જ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવશે. મહારાષ્ટ્રના જે જિલ્લાઓમાં કોરોના પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી ઓછો હોય અને ઓક્સિજન બેડની જરૂરિયાત 25 ટકાથી ઓછી હોય એમને લેવલ-1માં મૂકવામાં આવે છે અને કોરોનાને લગતા તમામ નિયંત્રણોને ઉઠાવી લેવામાં આવ્યા છે. ત્યાં તમામ રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર, ફિલ્મ થિયેટરો, દુકાનોને આખો દિવસ ખુલ્લી રાખવા દેવામાં આવે છે. મુંબઈમાં કોરોના પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચે (3.79%) ગયો છે તે છતાં મહાપાલિકા તંત્ર શહેરમાં હજી તમામ છૂટછાટો આપવા તૈયાર નથી અને સાવચેતી સાથે આગળ વધવા માગે છે.