મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં કોરોનાનું કેન્દ્રબિંદુ મુંબઈ શહેર છે. મુંબઈના નવા મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ હોદ્દો સંભાળી લીધા બાદ તરત જ સક્રિય બન્યા છે.
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) કમિશનર ચહલે તમામ ખાનગી લેબોરેટરીઓને આદેશ આપ્યો છે કે વિદેશી પાછા ફરેલા લોકો તથા હોમ ક્વોરન્ટાઈન શંકાસ્પદોનું તેઓ 14 દિવસના ક્વોરન્ટાઈન પીરિયડમાં સંપૂર્ણ ટેસ્ટિંગ કરે.
સાથોસાથ, મહાપાલિકાએ એવો પણ આદેશ આપ્યો છે કે સેમ્પલ એકત્ર કરીને 24 કલાકની અંદર જ કોરોના ટેસ્ટનું પરિણામ આપવાનું રહેશે અને તેને ICMR વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે.
ગયા શુક્રવારે એક જ દિવસમાં મુંબઈમાં કોરોનાનાં વધુ 1,751 કેસો નોંધાયા હતા. એ સાથે જ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને 27,251 થઈ ગઈ હતી.
મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રાતે જ એક સર્ક્યૂલર બહાર પાડીને મુંબઈમાં ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સમાં 80 ટકાથી વધારે પલંગ રિઝર્વ કરી લીધા હતા. આનાથી દર્દીઓ માટે સરકારને વધુ 4,400 પલંગ ઉપલબ્ધ થઈ શક્યા છે.
રાજ્ય સરકારે આ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે ફીની રકમ પણ નક્કી કરી દીધી છે.
મુંબઈમાં સૌથી વધારે કોરોના દર્દીઓ ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નોંધાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 1,327 કેસો થયા છે અને 56 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 41,642 કેસો છે. એમાંના 61 ટકા જેટલા કેસ એકલા મુંબઈમાં છે. દેશના કુલ કોરોનાગ્રસ્તોમાં મુંબઈના દર્દીઓનો હિસ્સો 22 ટકા છે. જોકે મહારાષ્ટ્રમાં આ બીમારીમાંથી 12,583 લોકો સાજા પણ થઈ ગયા છે.
