કિસાનો, મજૂરો માટે 5000 કરોડનું રાહત પેકેજ આપોઃ મહારાષ્ટ્ર ભાજપ

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ધંધા-રોજગાર બે મહિનાથી બંધ છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના કિસાનો, મજૂરો અને અસંગઠિત સેક્ટરના કામદારો માટે રાજ્ય સરકાર રૂ. 5000 કરોડનું રાહત પેકેજ જાહેર કરે એવી માગણી સાથે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આજે મુંબઈમાં મૂક દેખાવો કર્યા હતા.

દક્ષિણ મુંબઈ સ્થિત ભાજપના કાર્યાલયની બહાર કરાયેલા આ દેખાવોની આગેવાની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને કારણે આવી પડેલા સંકટને અવસરમાં પરિવર્તિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે.

આ પેકેજમાં કયા સેક્ટરને કેટલા ભંડોળની વહેંચણી કરવામાં આવશે એની જાણકારી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ગયા અઠવાડિયે આપી ચૂક્યા છે.

ભાજપ દ્વારા આજે મહારાષ્ટ્ર રાજ્યમાં જુદા જુદા શહેરો અને નગરોમાં રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર વિરુદ્ધ મૂક દેખાવો કરવામાં આવ્યા હતા.

ફડણવીસ સહિતના નેતાઓ મોઢા પર માસ્ક પહેરીને દેખાવો કરવા બહાર નીકળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસો મહારાષ્ટ્ર રાજ્યમાં બન્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 41,500થી વધારે દર્દીઓ નોંધાયા છે. આમાં 25,500 કેસ એકલા મુંબઈમાં જ થયા છે.

રાજ્યમાં વાઈરસને રોકવામાં ઉદ્ધવ ઠાકરેની સરકાર નિષ્ફળ ગઈ છે અને લોકોમાં એ વિશે અસંતોષ ફેલાયો છે એવો ફડણવીસે આરોપ મૂક્યો છે.

ભાજપના રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જાહેરાત કરી હતી કે ઠાકરે સરકારના વિરોધમાં ઘરના આંગણામાં ઊભીને, મોઢા પર કાળો ફેસમાસ્ક, હાથ પર કાળી રીબન બાંધીને, હાથમાં કાળો ઝંડો પકડીને મૂક વિરોધ વ્યક્ત કરવો. આ દેખાવોનું નામ ‘મારું આંગણું રણાંગણ, મહારાષ્ટ્ર બચાવ’ આપવામાં આવ્યું હતું. એટલે જ ફડણવીસ અને સાથી નેતાઓએ મુંબઈમાં ભાજપ કાર્યાલયની બહાર આવીને દેખાવો કર્યા હતા. રાજ્યના અન્ય જિલ્લાઓ અને શહેરોમાં પણ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ આ રીતે વિરોધ-દેખાવો કર્યા હતા.

દરમિયાન, ભાજપના આ આંદોલનનો રાજ્ય સરકારે પણ પ્રત્યુત્તર આપ્યો છે. એણે ભાજપને મહારાષ્ટ્રદ્રોહી ગણાવ્યું છે. એને કારણે મહારાષ્ટ્રદ્રોહીBJP આ ટ્રેન્ડ ટ્વિટર પર ચાલી રહ્યો છે.