મુંબઈઃ મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ જાણકારી આપી છે કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ઊભા થયેલા આર્થિક સંકટનો પણ અભ્યાસ કર્યા બાદ રાજ્યમાં 20 એપ્રિલ પછી ઉદ્યોગો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
કેન્દ્ર સરકારની સૂચના અનુસાર જ મહારાષ્ટ્રમાં ઉદ્યોગ શરૂ કરાશે અને ઉદ્યોગ મંત્રાલયે એ માટેની તૈયારી શરૂ કરી દીધી છે, એમ પણ દેસાઈએ જણાવ્યું છે.
દેસાઈના અધ્યક્ષપદ હેઠળ ગઈ કાલે મુંબઈમાં ઉદ્યોગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. એમાં એવો નિર્ણય લેવાયો છે કે રાજ્યના જે ભાગોમાં કોરોનાનો ચેપ ઓછો લાગ્યો હોય કે જરાય લાગ્યો ન હોય ત્યાં ઉદ્યોગ-વેપાર ફરી શરૂ કરી શકાય. આ માટેનો પ્રસ્તાવ તૈયાર કરવાની સૂચના ઉદ્યોગ વિભાગના સચિવને આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના જે ભાગોમાં કોરોનાને કારણે પ્રતિબંધો લાગુ છે ત્યાં ઉદ્યોગો હાલ શરૂ કરવા દેવામાં આવશે નહીં.
અન્ય ભાગોમાં આરોગ્ય વિભાગ તથા સ્થાનિક પ્રશાસને મસલત કરીને પરિસ્થિતિ અનુસાર 21 એપ્રિલથી ઉદ્યોગ શરૂ કરાવી શકાશે.
આ વિશે તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલવામાં આવશે.
રાજ્યના આ ભાગોમાં ઉદ્યોગ હાલ શરૂ નહીં કરાય
મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી, પનવેલ, વસઈ-વિરાર, ભિવંડી, પુણે-ચિંચવડ, નાગપુર.
મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં જે સ્થળોએ કોરોનાનો ચેપ લાગ્યો નથી ત્યાં માત્ર એવા ઉદ્યોગોને જ ચાલુ કરવા દેવામાં આવશે જેના માલિકો એમના કામદારોને પોતાના કારખાનાની ઈમારતમાં રહેવા દેવાની વ્યવસ્થા કરશે. જે ઉદ્યોગમાલિકો નિયમોનું પાલન કરશે અને વાહનની વ્યવસ્થા કરશે એમને જ ઉદ્યોગ ફરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે.
સરકારે નિર્ણય લીધો છે કે કૃષિ આધારિત ઉદ્યોગોને છૂટ આપવામાં પ્રાધાન્ય આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાનાં નવા 286 પોઝિટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યા 3,200ને પાર ગઈ છે. ગુરુવારે રાજ્યમાં વધુ 7 જણ આ ચેપને કારણે મૃત્યુ પામ્યા હતા અને એ સાથે કુલ મરણાંક વધીને 194 થયો છે.