મુંબઈઃ મહાનગરમાં કોરોના વાઈરસ સંકટ સતત ઘટી રહ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) હેઠળના ત્રણ મ્યુનિસિપલ વોર્ડમાં હાલ એક પણ સક્રિય કન્ટેનમેન્ટ ઝોન નથી અને એકેય મકાનને કોરોનાને કારણે સીલ કરાયું નથી. બીએમસીની નીતિ અનુસાર, કોઈ મકાનને તો જ આખું સીલ કરાય જો ત્યાં એક કરતા વધારે માળ પર કોરોનાના અનેક કેસ થયા હોય. એવી જ રીતે, કોઈ ઝૂંપડપટ્ટી વિસ્તારને પણ તો જ આખો સીલ કરાય જો ત્યાં અનેક ઘરોમાં કોરોનાના ઘણા કેસ થયા હોય. એવા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાય છે.
હાલ, જી-નોર્થ (માહિમ, દાદર, ધારાવી), જી-સાઉથ (વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ) અને એફ-સાઉથ (પરેલ, કરી રોડ અને શિવરી) વોર્ડમાં એક પણ સક્રિય કન્ટેનમેન્ટ ઝોન નથી કે કોઈ મકાન સીલ કરાયું નથી. આ વોર્ડમાંના ધારાવી અને વરલી વિસ્તારો એક સમયે કોરોનાના હોટસ્પોટ બન્યા હતા. મુંબઈમાં હાલને તબક્કે એકંદરે, સક્રિયપણે સીલ કરાયા હોય એવા 1,073 મકાનો છે અને સક્રિય કન્ટેનમેન્ટ ઝોન્સ માત્ર 88 છે.