મહારાષ્ટ્ર સરકાર કર્મચારીઓનો DA વધારો કદાચ બે વર્ષ માટે સ્થગિત કરશે

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ ઊભા કરેલા આર્થિક સંકટને કારણે મહારાષ્ટ્ર સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)માં વધારો આપવાનું અને લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) આપવાનું બે વર્ષ માટે સ્થગિત કરે એવી ધારણા છે.

ઉત્તર પ્રદેશની સરકાર બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ સરકાર પણ તેના કર્મચારીઓને અપાતા મોંઘવારી ભથ્થામાં વધારો અને લીવ ટ્રાવેલ કન્સેશન આપવાનું બે વર્ષ માટે મોકૂફ રાખે એવી શક્યતા છે. કારમી આર્થિક કટોકટી સર્જાઈ છે ત્યારે કોરોના રોગચાળાનો સામનો કરવા માટેના એક પગલા તરીકે મહારાષ્ટ્ર સરકાર તેના કર્મચારીઓને એમની આ બે પ્રકારની આવકમાં કાપ મૂકશે.

એક સરકારી અમલદારનું કહેવું છે કે 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉન ઘોષિત કરાયા બાદ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ તથા પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનું 2021ના જુલાઈ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લીધા બાદ રાજ્ય સરકારો પણ એનું અનુકરણ કરીને પોતપોતાના કર્મચારીઓને આ વધારો મોકૂફ રાખે એવી ધારણા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર સરકાર વિકાય યોજનાઓ માટેના ખર્ચમાં તેમજ એના કર્મચારીઓને આપવામાં આવતા જિલ્લા વિકાસકાર્યો માટેના ભંડોળમાં પણ કાપ મૂકે એવી ધારણા છે.

એક સિનિયર અધિકારીએ કહ્યું કે હાલ સરકારને આવકનો કોઈ જ સ્રોત રહ્યો નથી. તેથી અમારે બજેટમાં આપવામાં આવેલી જોગવાઈઓમાં કાપ મૂક્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી. એ રીતે અમારે રૂ. 70,000 કરોડ ઊભા કરવાના છે. અમે કર્મચારીઓના પગાર, પેન્શનની રકમમાં કાપ મૂકી શકીએ એમ નથી. તેથી અમારે વિકાસ યોજનાઓ પાછળના ખર્ચને ઘટાડવો જ પડશે અને આશરે 12 લાખ કર્મચારીઓના ડીએમાં વધારો તથા એલટીસી આપવાનું સ્થગિત કરી દેવું પડશે.

મહારાષ્ટ્ર સરકાર જો કર્મચારીઓને 2021ના જૂન સુધી મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનું માંડી વાળે તો એને રૂ. 18,000 કરોડ મળશે અને જો એલટીસી નહીં આપીએ તો રૂ. 1,000 કરોડ બચાવી શકશે.

કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે તે એના 1.13 કરોડ સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોને બે વર્ષ સુધી વધારો નહીં આપે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]