મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ-NCP વચ્ચે બેઠકોની વહેંચણી મામલે સમજૂતી થઈ

મુંબઈ – લોકસભાની નવી મુદત માટેની ચૂંટણી આવતા વર્ષે મે મહિનામાં યોજાય એવી ધારણા છે. આ ચૂંટણી મહારાષ્ટ્રમાં સાથે મળીને લડવા વિશે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે સમજૂતી થઈ છે.

બેઠકોની વહેંચણીના મામલે બંને પાર્ટીએ સમજૂતી કરી લીધી છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે. એમાંની 40 બેઠકો પર આ બંને પાર્ટી પોતપોતાના ઉમેદવારો સમજૂતી પ્રમાણે ઊભાં રાખશે. બાકીની 8 બેઠકોના મામલે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.

જે આઠ બેઠકો વિવાદમાં છે તે આ મુજબ છેઃ નંદુરબાર, રાવેર, યવતમાળ-વાસીમ, જાલના, ઔરંગાબાદ, પુણે, એહમદનગર અને રત્નાગીરી-સિંદુદુર્ગ.

 

અજીત પવાર (એનસીપી)

એનસીપીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારનું કહેવું છે કે કોંગ્રેસ તથા નાની પાર્ટીઓ સાથે અમારી હજી વાટાઘાટ ચાલે છે. ટૂંક સમયમાં જ આ આઠ બેઠકો અંગે પણ કોઈક સમાધાન થઈ જશે.

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ જેટલા જ ઉમેદવારો ઊભા રાખવાની એનસીપીની માગણી છે, પણ કોંગ્રેસે એનસીપીને વધારે બેઠક આપવાની ના પાડી છે. 2014ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસે 26 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને બે બેઠક જીતી હતી જ્યારે એનસીપીએ 22 બેઠકો પર ચૂંટણી લડીને પાંચ સીટ કબજે કરી હતી.

એનસીપીની દલીલ છે કે લોકસભામાં મહારાષ્ટ્રમાંથી પોતાનું સંખ્યાબળ કોંગ્રેસ કરતાં વધારે છે એટલે આગામી ચૂંટણીમાં પોતાને કોંગ્રેસ જેટલી જ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવા દેવા જોઈએ.

અજીત પવારનું કહેવું છે કે એમની એનસીપી પાર્ટી સ્વાભિમાન શેતકરી સંઘટનાનાં નેતા અને સંસદસભ્ય રાજુ શેટ્ટી તથા દલિત નેતા પ્રકાશ આંબેડકરને એમની વ્યક્તિગત લોકસભા બેઠક ફાળવવા સહમત છે.