થર્ટી ફર્સ્ટ નાઈટની ઉજવણીઃ મુંબઈમાં મહિલાઓની સલામતી માટે 40 હજાર પોલીસો તહેનાત કરાશે

મુંબઈ – દર વર્ષની જેમ આ વખતે પણ મુંબઈગરાંઓ 31મી ડિસેંબરની રાત-મધરાત અને વહેલી સવાર સુધી મોજમજા કરીને નવા વર્ષને આનંદપૂર્વક આવકારશે. 2019ના વર્ષને આવકારવા માટે મુંબઈની શોખીન પ્રજા સજ્જ થઈ ગઈ છે ત્યારે મંગળવારે થર્ટી ફર્સ્ટ નાઈટની એમની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે એ માટે મુંબઈ પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે.

ખાસ કરીને મહિલાઓની સલામતી જળવાય એ માટે મુંબઈ પોલીસ તંત્ર 40 હજાર પોલીસ જવાનોને તહેનાત કરવાનું છે.

31 ડિસેંબરની રાતે શહેરમાં સલામતી અને શાંતિ જળવાય એ માટે સ્થાનિક પોલીસને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ તથા હોમ ગાર્ડની સહાયતા મળશે.

બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ સતર્ક રહેશે.

થર્ટી ફર્સ્ટ નાઈટ ઉજવણી વખતે ખાસ કરીને જ્યાં લોકોની વધારે ભીડ રહેતી હોય છે તે મરીન ડ્રાઈવ, ગીરગામ અને જુહૂ ચોપાટી, ગેટવે ઓફ ઈન્ડિયા વગેરે સ્થળો ખાતે એન્ટી-સેબોટેજ સ્ક્વોડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ અત્યારથી જ કડક ચેકિંગ કરી રહી છે.

મુંબઈના દરિયાકાંઠા પરનો ચોકીપહેરો પણ કડક બનાવી દેવામાં આવ્યો છે.

 

નવા વર્ષની ઉજવણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે મુંબઈ પોલીસ વિશેષ ઝુંબશ હાથ ધરી છે. એના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચે અંધેરી ઉપનગરમાં આયાત કરાયેલી વિદેશી દારૂની 945 બોટલ્સ એક કારમાંથી જપ્ત કરી હતી.

રૂ. 16 લાખની કિંમતના આ શરાબની જપ્તીના સંબંધમાં પોલીસે એક જણની ધરપકડ પણ કરી છે.