નકલી ઈ-ટિકિટો સાથે વિમાનીમથકોમાં પ્રવેશતા લોકો વિશે CISF ચિંતિત

મુંબઈ – દેશભરમાં વિમાનીમથકો પર ચોકીપહેરો અને સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF). આ એજન્સીએ કહ્યું છે કે નકલી ઈ-ટિકિટનો ઉપયોગ કરીને વિમાનીમથકોમાં ઘૂસી આવતા લોકોએ ચિંતા વધારી દીધી છે. આ સુરક્ષા દળનું કહેવું છે કે નકલી ઈ-ટિકિટ લઈને એરપોર્ટ્સમાં પ્રવેશતા લોકોના કિસ્સાઓ નોંધપાત્ર રીતે વધી ગયા છે.

CISFનું એમ પણ કહેવું છે કે 2018માં આવી 140 ઘટનાઓ બની હતી. જ્યારે 2017માં 111 ઘટના બની હતી.

અહીં પણ વધારે ચિંતાની બાબત એ છે કે ગેરકાયદેસર રીતે એરપોર્ટ્સમાં પ્રવેશતા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. 2015 અને 2016માં આવા કિસ્સાઓની સંખ્યા 100 કરતાં ઓછી હતી.

નકલી ઈ-ટિકિયો વડે એરપોર્ટ્સમાં ઘૂસી આવતા લોકોની સંખ્યા વધી છે તે છતાં આમાં કોઈ ત્રાસવાદી કૃત્ય હોવાની CISFને શંકા નથી, પરંતુ દળનું માનવું છે કે વિમાનીમથકોની સલામતી પર આ એક મોટું જોખમ છે. એને શંકા છે કે જો આ સમસ્યાને અત્યારે જ રોકવામાં નહીં આવે તો આગળ જતાં આમાંથી કોઈક મોટો બનાવ બની શકે છે.

જોખમ વધી ગયું હોવાથી CISF તથા મુલ્કી ઉડ્ડયન મંત્રાલય બંનેની ઈચ્છા છે કે સમાન ઓળખ પદ્ધતિના ઉપયોગ દ્વારા વિમાનીમથકોમાં પ્રવેશ મુદ્દે કોઈક નવી સિસ્ટમનો અમલ કરવો જોઈએ. CISFનો એવો આગ્રહ છે કે દેશના કોઈ પણ એરપોર્ટ પર પ્રવેશ કરતા પર્યટકો માટે બાયોમેટ્રિક સિસ્ટમનો અમલ કરવો જોઈએ.

CISFના ડાયરેક્ટર જનરલ રાજેશ રંજને કહ્યું છે કે આપણે પેસેન્જરો પ્રત્યે વધુપડતો મૈત્રીભાવ રાખી ન શકીએ, કારણ કે અમેરિકામાં 9/11 ટેરર હુમલાઓ કેવી રીતે થયા હતા એ આપણે સહુ જાણીએ છીએ. ઉલ્લેખનીય છે કે, 2001માં, ત્રાસવાદીઓ અમેરિકાના વિમાનીમથકોએથી વિમાનોનું અપહરણ કરીને એને ટ્વિન ટાવર્સ સાથે અથડાવી ગયા હતા.