મુંબઈઃ T-Series નામે સંગીત રેકોર્ડ અને ફિલ્મ નિર્માણ કંપની તરીકે બિઝનેસ કરતી સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર ભૂષણકુમારે બળાત્કાર કર્યો હોવાનો એક મહિલાએ આરોપ મૂક્યા બાદ અહીં અંધેરી (વેસ્ટ) ઉપનગરમાં ડી.એન. નગર પોલીસ સ્ટેશને ભૂષણકુમાર સામે કેસ નોંધ્યો છે. 30 વર્ષીય મહિલાએ આરોપ કર્યો છે કે ટી-સિરીઝ કંપનીના કોઈક પ્રોજેક્ટમાં કામ આપવાનું વચન આપીને ભૂષણકુમારે એની પર બળાત્કાર કર્યો હતો. ફરિયાદ મહિલા પોતે અભિનેત્રી છે. પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ફરિયાદી મહિલા અને ભૂષણકુમાર છેલ્લાં બે વર્ષથી એકબીજાંનાં પરિચયમાં છે. કુમારે 2017 અને 2020ના સમયગાળા વચ્ચે અનેક સ્થળે પોતાનું જાતીય શોષણ કર્યું હોવાનો મહિલાએ આરોપ મૂક્યો છે. પોતાની સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે એમ તે મહિલાએ કહ્યું છે. પોલીસે કુમાર સામે ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની કલમો 376 (બળાત્કાર), 420 (છેતરપીંડી), 506 (ક્રિમિનલ ધમકી) હેઠળ ફરિયાદ નોંધી છે.
જોકે ટી-સિરીઝે એક નિવેદન બહાર પાડીને ભૂષણકુમાર સામેના આરોપને નકારી કાઢ્યો છે. તેણે કહ્યું છે કે આ આરોપ સંપૂર્ણપણે ખોટો અને બદઈરાદાભર્યો છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે અમે આ સંદર્ભમાં અમારા વકીલો સાથે મસલત કરી રહ્યાં છીએ અને ઉચિત કાનૂની પગલું ભરીશું.