મહારાષ્ટ્રમાં આ વર્ષે પણ ગણેશોત્સવ શાંત રહેશે

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળો હજી સમાપ્ત થયો ન હોવાથી મહારાષ્ટ્રમાં આ વખતે સતત બીજા વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી અવાજ વગરની બની રહેશે. રાજ્ય સરકારે અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં એક મુદ્દો ભગવાન ગણપતિની મૂર્તિઓની ઊંચાઈ ઘટાડવાને લગતો છે. 10-દિવસનો ગણેશોત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે.

સાર્વજનિક મંડળોમાં સ્થાપિત કરાનાર ગણપતિની મૂર્તિની મહત્તમ ઊંચાઈ ચાર ફૂટ અને ઘરમાં ઉજવણી માટે પધરામણી કરાનાર ગણપતિની મૂર્તિ બે ફૂટની રાખવી એવું ગાઈડલાઈન્સમાં જણાવાયું છે. તે ઉપરાંત આરતીમાં લોકોને ટોળું બનાવવા દેવામાં નહીં આવે. ગણપતિની મૂર્તિઓ સાથે સરઘસ કાઢવાની પણ સરકારે મનાઈ ફરમાવી છે. અહીંના માટુંગા ઉપનગરના જીએસબી ગણપતિ મંડળના ટ્રસ્ટી અમિત પૈએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કડક માર્ગદર્શિકા ઘડવા બદલ સરકારનો આભાર માન્યો છે. એમણે કહ્યું કે અમે માર્ગદર્શિકાનું બરાબર પાલન કરીશું અને શ્રદ્ધાળુઓના લાભ માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરીશું. પરેલ ઉપનગરમાં મુંબઈ મહાપાલિકાના ભંડોળથી સંચાલિત કેઈએમ (કિંગ એડવર્ડ મેમોરિયલ) હોસ્પિટલના ડીન ડો. હેમંત દેશમુખે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ફેલાવાનો ખતરો હોવાથી અને ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની સંભાવના હોવાથી બધાંએ સંભાળવું પડશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]