‘ચિત્રલેખા’ પરિવારના નગીનદાસ સંઘવીને એક વધુ સમ્માન

મુંબઈ – રાજી થઈએ એવા સમાચાર એ છે કે છેલ્લાં વીસેક વર્ષથી ‘ચિત્રલેખા’માં રાજકીય સમીક્ષા કરતા નગીનદાસ સંઘવીને ભારત સરકારે વર્ષ ૨૦૧૮ના ‘વયોશ્રેષ્ઠ સમ્માન’થી વિભૂષિત કર્યા છે. ૯૯ વર્ષી નગીનદાસ સંઘવીને આ સમ્માન એમની કલમ દ્વારા વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિને ઉપલક્ષમાં રાખીને એનાયત કરવામાં આવ્યું છે.

તાજેતરમાં નગીનભાઈને કેન્દ્ર સરકાર તરફથી સમ્માનપત્ર, સ્મૃતિચિન્હ અને અઢી લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું. નગીનભાઈ રાજકીય કટારલેખન કરતા હોવા ઉપરાંત વેગળા વિષયનાં અનેક પુસ્તકના લેખક પણ છે. મોરારિબાપુની દેશવિદેશમાં યોજાતી કથામાં નગીનભાઈ નવી પેઢીના શ્રોતાઓ સમક્ષ બાપુની વાણીનો અંગ્રેજી તરજુમો રજૂ કરવાની કામગીરી હજીય બજાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત કાર્યરત વરિષ્ઠ નાગરિક વિભાગ દર વર્ષે પહેલી ઑક્ટોબરે ઈન્ટરનૅશનલ ડે ઑફ ઓલ્ડર પર્સનના ઉપલક્ષે ‘વયોશ્રેષ્ઠ સમ્માન’ જાહેર કરે છે. આ સમ્માન કે એવૉર્ડ વિવિધ કૅટેગરીમાં આપવામાં આવે છે, જેમ કે વરિષ્ઠ નાગરિકો માટે કામ કરતી ખાનગી સંસ્થા, ગ્રામપંચાયત, નગરપાલિકા, રાજ્ય કે જાહેર એકમ ઉપરાંત શતાયુ વ્યક્તિ, આદર્શ માતા, લાઈફટાઈમ અચીવમેન્ટ એવૉર્ડ, ક્રિયેટિવ આર્ટ એવૉર્ડ, વગેરે…

આ વર્ષના એવૉર્ડ નવી દિલ્હીમાં ઉપ-રાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુના હસ્તે એનાયત કરવામાં આવ્યા, પરંતુ નગીનદાસ સંઘવી એ સમયે વિદેશના પ્રવાસે હોવાથી વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહી શક્યા નહોતા.