૨૬/૧૧ના ટેરર હુમલાઓના કાવતરાખોરોને પકડવામાં પાકિસ્તાન પ્રામાણિક નથીઃ ભારતનાં પ્રહાર

મુંબઈ – ભારત સરકારે પાકિસ્તાનની એમ કહીને ઝાટકણી કાઢી છે કે તે 2008ની 26 નવેમ્બરે મુંબઈમાં ત્રાસવાદી હુમલાઓના સૂત્રધારોને મુક્તપણે ફરવા દે છે.

વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું છે કે પાકિસ્તાન સરકારે મુંબઈના હુમલાઓના કાવતરાખોરોને સજા કરાવવામાં ઝડપ કરવી જ પડશે.

વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે અમે ફરીવાર પાકિસ્તાન સરકારને અનુરોધ કરીએ છીએ કે એ બેવડું વલણ અપનાવવાનું છોડી દે અને મુંબઈના ટેરર હુમલાઓના કાવતરાખોરોને સજા કરાવવાનું કામ ઝડપથી પતાવે.

૨૬/૧૧ના ટેરર હુમલાઓની સમગ્ર દેશ આજે 10મી વરસી મનાવી રહ્યો છે ત્યારે વિદેશ મંત્રાલયે આ નિવેદન બહાર પાડ્યું છે.

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે ભયાનક ટેરર હુમલાઓના 10 વર્ષ પછી પણ આ કેસનો નિકાલ આવે એની 15 દેશોના 166 મૃતકોનાં પરિવારજનો રાહ જોઈ રહ્યાં છે તે વાત ઘેરા દુઃખની છે. પાકિસ્તાને હુમલાઓના સૂત્રધારોને સજા કરાવવામાં જરાય પ્રામાણિકતા બતાવી નથી.

મુંબઈના હુમલાઓના સૂત્રધારોની ધરપકડ થઈ શકે એવી માહિતી આપનારાઓને 50 લાખ ડોલરનું ઈનામ આપવાની અમેરિકા સરકારે કરેલી જાહેરાતને વિદેશ મંત્રાલયે આવકાર આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 2008ની 26 નવેમ્બરની રાતે પાકિસ્તાનમાંથી ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના 10 ત્રાસવાદીઓ સમુદ્રમાર્ગે મુંબઈમાં ઘૂસી આવ્યા હતા અને 12 સ્થળોએ સંકલિત ગોળીબાર અને બોમ્બ હુમલાઓ કર્યા હતા. હત્યાકાંડ ચાર દિવસ સુધી ચાલ્યો હતો. હુમલાઓમાં 166 જણ માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ઘણા વિદેશી નાગરિકો પણ હતા. સુરક્ષા દળોએ 10માંના 9 હુમલાખોરોને એન્કાઉન્ટરોમાં મારી નાખ્યા હતા જ્યારે એકમાત્ર જિવીત બચેલા ત્રાસવાદી અજમલ કસાબને પકડી લીધો હતો અને એની સામે ભારતમાં ખટલો ચલાવીને એને ફાંસી આપી હતી.