મુંબઈઃ બેંગલુરુ જતા એર ઈન્ડિયાના વિમાનનું એક એન્જિન આકાશમાં બંધ પડી જતાં વિમાનનું મુંબઈ એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કરાવાયું હતું. વિમાને આજે સવારે મુંબઈ એરપોર્ટ પરથી ટેક-ઓફ્ફ કર્યાની 27 મિનિટ બાદ એન્જિન બંધ પડવાને કારણે ઊભી થયેલી ઈમરજન્સીને કારણે વિમાનને મુંબઈ એરપોર્ટ પર તાકીદની સ્થિતિમાં ઉતારવામાં આવ્યું હતું.
ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ કહ્યું કે A320 નીયો વિમાનમાંના તે મુસાફરોને બાદમાં એક જુદા વિમાન દ્વારા બેંગલુરુ મોકલવામાં આવ્યા હતા. એન્જિન બગડવાની ઘટનાની કંપનીના એન્જિનીયરિંગ અને મેન્ટેનન્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાને ટેક-ઓફ્ફ કર્યાની થોડી જ મિનિટો થઈ હતી. વિમાન આકાશમાં ઉડી રહ્યું હતું ત્યારે પાઈલટને ઊંચા એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર્સ વિશે વિમાનમાંથી જ ચેતવણી મળી હતી. વિમાનનું એક એન્જિન બગડી ગયું હતું એની જાણ થતાં જ પાઈલટે વિમાનને પાછું મુંબઈ એરપોર્ટ પર વાળીને 10.10 વાગ્યે એને ત્યાં ઉતાર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રુપે ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયા ખરીદી લીધી છે. એ વખતે એર ઈન્ડિયાને માથે મોટું દેવું ચડી ગયું હતું તેથી સરકારે એરલાઈનને વેચી દીધી.