મેહુલ ચોક્સી સામે 2017માં કોઈ ક્રિમિનલ રેકોર્ડ મળ્યો નહોતોઃ મુંબઈ પોલીસ

0
1037

મુંબઈ – ઉદ્યોગપતિ અને કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી કેસમાં આરોપી જાહેર કરાયેલા મેહુલ ચોક્સીએ કેરેબિયન ટાપુ રાષ્ટ્ર એન્ટિગ્વામાં નાગરિકત્વ મેળવ્યું એનો વિવાદ થયો છે. ચોક્સીને આ માટેની ચકાસણી વગર પાસપોર્ટ ઈસ્યૂ કરનાર મુંબઈ પોલીસની ટીકા થઈ છે.

પરંતુ, મુંબઈ પોલીસે પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. એણે કહ્યું છે કે ચોક્સીને 2015માં ‘તત્કાલ’ કેટેગરી હેઠળ પાસપોર્ટ ઈસ્યૂ કરવામાં આવ્યો હતો. એ કેટેગરી હેઠળ પોલીસ ચકાસણી વગર પાસપોર્ટ ઈસ્યૂ કરાયો હતો.

પોલીસે વધુમાં કહ્યું છે કે ચોક્સીને No ‘પોલીસ વેરિફિકેશન રીક્વાયર્ડ’ (PVR) સ્ટેટસ મંજૂર કરાયા બાદ રીજનલ પાસપોર્ટ ઓફિસે એમને પાસપોર્ટ ઈસ્યૂ કર્યો હતો.

ચોક્સીને 2015ની 10 સપ્ટેંબરે ‘તત્કાલ’ કેટેગરી હેઠળ પાસપોર્ટ ઈસ્યૂ કરાયો હતો.

આ પાસપોર્ટ 10 વર્ષ સુધી કાયદેસર રહે એ પ્રકારનો હતો.

ચોક્સીના પાસપોર્ટ પર ક્લીયર PVR ઉપલબ્ધ હોવાને આધારે પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ (PCC) ઈસ્યૂ કરાયું હતું એવું વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું.

મુંબઈ પોલીસનું એમ પણ કહેવું છે કે ચોક્સીએ 2017ની 23 ફેબ્રુઆરીએ PCC માટે રીજનલ પાસપોર્ટ ઓફિસને અરજી કરી હતી. 2017ની 24 ફેબ્રુઆરીએ મલબાર હિલ વિસ્તારના પોલીસ સ્ટેશને પોલીસ વેરિફિકેશન માટેનું પર્સનલ પર્ટિક્યૂલર ફોર્મ ડાઉનલોડ કર્યું હતું અને ચોક્સી વિરુદ્ધ કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન જણાતાં પોલીસે ચોક્સીને પીસીસી ઈસ્યૂ કર્યું હતું.

પાસપોર્ટ ઈસ્યૂ કરતા સત્તાધિશો સિસ્ટમમાં ક્લીયર PVR હોય તો PCC ઈસ્યૂ કરી શકે છે. ધારો કે કોઈ કેસમાં PVR ન હોય તો PCC ઈસ્યૂ કરતા પહેલાં નવેસરથી PVR મેળવી શકે છે. ચોક્સીને PCC ઈસ્યૂ કરતી વખતે એમનું PVR ક્લીયર હતું. મુંબઈ પોલીસે નિયમ પ્રમાણે જ કામ કર્યું હતું. ચોક્સીને એન્ટિગ્વા-બાર્બુડા જવું હતું અને એમને 2017ના માર્ચમાં PCC ઈસ્યૂ કરાયું હતું.

ચોક્સી 2018ની 4 જાન્યુઆરીએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ભાગી ગયા હોવાનું કહેવાય છે. સીબીઆઈએ ત્યારબાદ 31 જાન્યુઆરીએ એમની સામે FIR નોંધાવી હતી અને પખવાડિયા બાદ, પોતાની સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી થયાની પંજાબ નેશનલ બેન્કને કબૂલાત કર્યા બાદ કૌભાંડ બહાર આવ્યું હતું.

ત્યારબાદ 2018ની 23 ફેબ્રુઆરીએ મુંબઈની રીજનલ પાસપોર્ટ ઓફિસે ચોક્સીનો પાસપોર્ટ રદ કર્યો હતો.