ગંભીર રીતે બીમાર કવિ ‘મેહુલભાઈ’ વિશેની ગેરસમજ અંગે પરિવારની સ્પષ્ટતા અને વિનંતી

મુંબઈઃ ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય કવિ, ભૂતપૂર્વ પ્રોફેસર, પ્રખર વક્તા સુરેન ઠાકર (મેહુલ) હાલ ગંભીર રીતે બીમાર છે. એ સંદર્ભમાં અમુક અણછાજતી વાતો ફેલાવવામાં આવી છે. મેહુલભાઈ માટે નાણાં ભંડોળ ઊભું કરવાની એક અપીલ કોઈક વ્યક્તિએ સોશ્યલ મીડિયામાં ફરતી કરી હોવાથી આ બાબતે ઘણી ગેરસમજ ફેલાઈ ગઈ છે. આ અપીલ મેહુલભાઈના પૌત્ર પ્રેરકને નામે ફરતી કરાઈ છે જેમાં મેહુલભાઈના નામે તેના એકાઉન્ટમાં નાણાં સહાય માટે અનુરોધ કરાયો છે. આ સંદર્ભમાં મેહુલભાઈના દીકરી અર્ચનાબેને સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ જ અપીલ એમના પરિવારના સભ્યએ મૂકી નથી. આ કોઈ બહારની વ્યક્તિનું કામ છે.

અર્ચનાબેને વધુમાં જણાવ્યું છે કે, મેહુલભાઈ (મારા પિતાશ્રી) માટે પૈસાની કોઈ જરૂર નથી. તેઓ કેન્સર અને પેરેલિસિસની ગંભીર પીડામાંથી પસાર થઈ રહ્યા હોવાથી અમે માત્ર તેમના સ્વાસ્થ્ય માટે લોકોને પ્રાર્થના કરવાનું કહીએ છીએ. આખું જીવન જેઓ ખુદ્દારી અને ખુમારીથી જીવ્યા છે એમના નામે આવી ગેરસમજ નહીં ફેલાવવા અમારી સૌને વિનંતી છે.

અર્ચનાબેને વધુમાં કહ્યું છે કે, કોઈ વ્યક્તિએ મેહુલભાઈના નામે વોટસએપ અને ફેસબુક સહિતના સોશ્યલ મીડિયામાં નાણાંની અપીલ વહેતી કરતાં આ વાત પરદેશ સહિત ક્યાંને ક્યાં પહોંચી ગઈ છે, જેને કારણે અમને રોજના સેંકડો ફોન આવે છે, જેના અમારે જવાબ અને સ્પષ્ટતા આપવા પડે છે. અર્ચનાબેને ઉમેર્યું છે કે, અમારો પરિવાર એક તો મેહુલભાઈની સતત ચિંતા અને સારવારમાં વ્યસ્ત છે ત્યાં આવી ગેરસમજ ફેલાવાતા અમારી મુસીબત વધી ગઈ છે. આથી અમારી જાહેર જનતા અને મેહુલભાઈના ચાહકો-વિદ્યાર્થીઓને વિનંતી છે કે કોઈ નાણાં જમા ન કરાવે યા મોકલે નહીં એવી સૌને અમે નમ્ર વિનંતી કરીએ છીએ.