ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ CM છગન ભુજબળને જામીન મંજૂર

મુંબઈ – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છગન ભુજબળને મુંબઈ હાઈકોર્ટે આજે જામીન મંજૂર કર્યા છે.

નાશિક જિલ્લાના યેવલાના NCP વિધાનસભ્ય ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત અમુક કેસોના સંબંધમાં 2016ની 14 માર્ચે ધરપકડ કરાઈ ત્યારથી, એટલે કે બે વર્ષ અને બે મહિનાથી જેલમાં છે.

71 વર્ષીય ભુજબળની જામીન અરજીને આ પહેલાં ઓછામાં ઓછા પાંચ વાર નકારી કાઢવામાં આવી હતી. આખરે આજે, એ મંજૂર કરવામાં આવી છે. એમની અરજી નાદુરસ્ત તબિયત, વધતી જતી ઉંમર અને કેસમાં હજી સુધી કાર્યવાહી શરૂ કરાઈ ન હોવા જેવા કારણોસર સ્વીકારી લેવામાં આવી છે.

હાઈકોર્ટના નિર્ણયને અજીત પવાર, સંસદસભ્ય સુપ્રિયા પવાર-સુળે જેવા એનસીપીના નેતાઓ તથા પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રવક્તા નવાબ મલિકે આવકાર આપ્યો છે. મુંબઈ તથા નાશિકમાં ભુજબળના હજારો સમર્થકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને કોર્ટના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે.

ભુજબળ મહાત્મા ફુળે સમતા પરિષદના સ્થાપક પ્રમુખ છે. મહારાષ્ટ્રના જાહેર બાંધકામ વિભાગના પ્રધાન તરીકેની મુદત દરમિયાન એમણે ભજવેલી ભૂમિકા વિશે શંકાની સોય તાંકવામાં આવી છે. એવા આક્ષેપો થયા છે કે નવી દિલ્હીના મહારાષ્ટ્ર સદનના બાંધકામમાં ગેરરીતિ આચરવામાં આવી હતી.

ભુજબળે એમની રાજકીય કારકિર્દી શિવસેનામાં શરૂ કરી હતી. એ સિનિયર અધર બેકવર્ડ કાસ્ટ (ઓબીસી) નેતા તરીકે મહારાષ્ટ્રના રાજકારણમાં આક્રમક પરિબળ રહ્યા છે.

ભુજબળના ભત્રિજા અને નાશિકમાં એનસીપીના ભૂતપૂર્વ સંસદસભ્ય સમીર ભુજબળની પણ ભ્રષ્ટાચારના આરોપસર 2016ના ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી અને એ હાલ અદાલતી કસ્ટડીમાં છે.

ભુજબળ 1999ની 8 ઓક્ટોબરથી 2003ની 24 ડિસેંબર અને 2008ની 8 ડિસેંબરથી 2010ની 10 નવેંબર સુધી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા.