મુંબઈઃ લોકોનો ધસારો ઘટાડવા અંધેરી-વિરાર સ્લો લાઈન ઉપર પણ 15-ડબ્બાની ટ્રેનો

મુંબઈ – પશ્ચિમ રેલવેએ લોકોના ધસારાને ઘટાડવા માટે અંધેરી અને વિરાર વચ્ચે સ્લો લાઈન પર 15-ડબ્બાની ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે.

અત્યાર સુધી 15-ડબ્બાની ટ્રેનો માત્ર ફાસ્ટ લાઈન ઉપર જ દોડવાય છે. જ્યારે સ્લો લાઈન પર માત્ર 12 ડબ્બાની જ ટ્રેનો દોડાવાય છે.

પશ્ચિમ રેલવેએ સ્લો લાઈન ઉપર પણ 15-ડબ્બાની ટ્રેનો દોડાવવા માટે અંધેરી અને વિરાર વચ્ચે 14 સ્ટેશનોના ઓછામાં ઓછા 25 પ્લેટફોર્મ્સની લંબાઈ વધારશે, જેથી લાંબી ટ્રેનો ત્યાં બરાબર ઊભી રહી શકે.

પ્લેટફોર્મ્સ એક બાજુ અથવા બંને બાજુએ 76 મીટર સુધી લંબાવવામાં આવશે.

પ્લેટફોર્મ્સ લંબાવવાના કામ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

પ્લેટફોર્મ્સ લંબાવવા માટેનો ખર્ચ આશરે રૂ. 25 કરોડ છે. 12-ડબ્બાની એક ટ્રેન દરરોજ આશરે 4,300 લોકોને સફર કરાવે છે જ્યારે 15-ડબ્બાની ટ્રેનમાં 5000થી વધારે લોકો સફર કરી શકે છે.

પશ્ચિમ રેલવેએ 15-ડબ્બાની ટ્રેન દોડાવવાની શરૂઆત 2009માં કરી હતી. 12-ડબ્બાની ટ્રેન કરતાં આ લાંબી ટ્રેનમાં 25 ટકા વધારે પ્રવાસીઓ સફર કરી શકે છે.

પશ્ચિમ રેલવે ફાસ્ટ લાઈન પર 15-ડબ્બાની ત્રણ લોકલ દ્વારા 42 ફેરી કરે છે.

મધ્ય રેલવેએ તેના ફાસ્ટ કોરિડોર પર 15-ડબ્બાની ટ્રેનો દોડાવવાની શરૂઆત 2012માં કરી હતી. તે એવી 16 ફેરી કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]