મુંબઈઃ પડોશના થાણે જિલ્લામાં ગઈ કાલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસટી) બસમાં પ્રવાસ કરી રહેલા 65 જણનો આબાદ રીતે બચાવ થયો હતો. કારણ કે તેઓ જે બસમાં પ્રવાસ કરતાં હતાં તેમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના ગઈ કાલે સવારે બની હતી. બસ થાણે જિલ્લાના ભિવંડી શહેરથી થાણે શહેર તરફ જતી હતી ત્યારે એમાં આગ લાગતાં ડ્રાઈવરે તરત જ બસને અટકાવી દીધી હતી અને બૂમાબૂમ કરી પ્રવાસીઓને નીચે ઉતરી જવા કહ્યું હતું. બાદમાં આગ પ્રસરી હતી અને અડધી બસ સળગી ગઈ હતી. કોઈ પણ પ્રવાસીને ઈજા થઈ નહોતી.
સ્થાનિક લોકો તથા સ્થાનિક અગ્નિશામક દળના જવાનોએ જાણ થતાં તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને આગને અડધા કલાકમાં બુઝાવી દીધી હતી. આગ શોર્ટ-સર્કિટને કારણે લાગી હોવાની શંકા છે. બસ ભિવંડી ડેપોની હતી.
