‘મેડમ, તમારી સામે નોરા ફતેહી પણ ફેલ છે’

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અને ગાયિકા અમૃતા ફડણવીસે એમનાં નવા ગીતની ઘોષણા કરી છે, જેનું શીર્ષક છે, ‘મૂડ બના લિયા…’

અમૃતા ફડણવીસે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આની જાહેરાત કરી છે. એમણે લખ્યું છે, ‘अज मैं मूड बणा लेया ए ए ए, तेरे नाल ही नचणा वे’ શીર્ષકવાળું આ ગીત ટી-સીરિઝ બેનર હેઠળ બનાવવામાં આવ્યું છે અને આવતી 6 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. એમની પોસ્ટમાં કેપ્શનમાં એમ પણ લખ્યું છે, ‘આ ગીત એકદમ રોમાંચક છે અને વર્ષનું સૌથી મોટું ‘બેચલરેટ એન્થમ’ છે.’ આ ગીતમાં ધારણ કરેલો પોતાનાં લૂકની એક તસવીર પણ એમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ લૂકમાં તેઓ જીન્સ, ટોપ અને જેકેટમાં સજ્જ થયાં છે. સાથોસાથ, એમણે હટકે ફેશન જ્વેલરી પણ પહેરી છે. એમનો આ એકદમ સ્ટાઈલિશ લૂક જોઈને ઘણાં નેટયૂઝર્સે પ્રતિક્રિયા આપી છે.

કોઈકે લખ્યું છે, ‘તમે બહુ જ સરસ દેખાઓ છો.’ એક પ્રશંસકે લખ્યું છે, ‘મેડમ, તમારી સામે તો નોરા ફતેહી પણ ફેલ છે.’ તો બીજા એક જણે લખ્યું છે, ‘મેડમે ભૂલથી રાજકારણી સાથે લગ્ન કર્યાં. કોઈક હિરો સાથે લગ્ન કરવા જોઈતા હતા. તો આજે મેડમ હિરોઈન હોત અને અમને તેમની ફિલ્મો જોવા મળતી હોત.’

અમૃતા ફડણવીસ આ પહેલાં પણ કેટલાંક પોતાનાં સ્વર-અભિનયવાળાં વીડિયોગીત રિલીઝ કરી ચૂક્યાં છે. એમાં ‘શિવ તાંડવ સ્રોતમ’, ‘વો તેરે પ્યાર કા ગમ’, ‘તેરી મેરી ફિર સે’, ‘બેટિયા’, ‘કુણી મ્હણાલે’, ‘તેરી બન જાઉંગી’ ગીતો લોકપ્રિય થયા છે.