રાધેમા સામે ઘરેલુ-હિંસાની કાર્યવાહી મુંબઈ-કોર્ટે પડતી મૂકી

મુંબઈઃ સ્વયંઘોષિત ‘દેવીમા’ રાધેમા સામે એક મહિલાએ નોંધાવેલી ઘરેલુ હિંસાના કેસમાં શરૂ કરાયેલી કાર્યવાહીને અહીંની એક સેશન્સ અદાલતે પડતી મૂકી દીધી છે. તે સ્ત્રીએ રાધેમા વિરુદ્ધની ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો હતો કે પોતાને ત્રાસ આપવા માટે પોતાનાં સાસરિયાંઓને રાધેમા ખોટી સલાહ આપતાં હતાં. પાંચ વર્ષ પહેલાં મુંબઈની એક મેજિસ્ટ્રેટ કોર્ટે આ કેસમાં રાધેમાને નિર્દોષ જાહેર કરવાનો ઈનકાર કર્યો હતો.

(ફાઈલ તસવીર)

પીડિત મહિલાએ બોરીવલી મેજિસ્ટ્રેટને એમ કહ્યું હતું કે રાધેમાનાં કહેવાથી પોતાનાં સાસરિયાં એની પર ઘરેલુ હિંસા કરતા હતા. પોતે જ્યારે સાસરાનાં ઘેર ગઈ હતી ત્યારે એની પર હિંસા આચરવામાં આવી હતી. તેથી એ સ્ત્રીએ દાવો કર્યો હતો કે રાધેમા સામે મહિલાઓને ઘરેલુ હિંસા સામે રક્ષણ આપતા કાયદા અંતર્ગતની કાર્યવાહી કરવામાં આવે. રાધેમાએ ત્યારે આ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કરવામાં આવે એવી માગણી કરી હતી, પણ મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે એમણે રાધેમા સામેનાં આક્ષેપો પર વિચાર કર્યો છે અને એમની સામેની કાર્યવાહી પડતી નહીં મૂકાય.

એટલે રાધેમે 2017માં સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાં એમણે એવી દલીલ કરી હતી કે પોતે ફરિયાદી મહિલા સામે કોઈ પ્રકારની ઘરેલુ હિંસા કરી નથી કે તે મહિલા સાથે એમના કોઈ ઘરેલુ સંબંધ પણ નથી. એડિશનલ સેશન્સ જજ એસ.એન. સાળવેએ પોતાના ઓર્ડરમાં કહ્યું છે કે, પક્ષકારો વચ્ચે કોઈ ઘરેલુ સંબંધ અસ્તિત્વમાં જ નહોતો. માત્ર સાથે રહેવાને સંબંધ તરીકે લેખાવી ન શકાય. રાધેમાને કાયદા અંતર્ગત ઘરેલુ રિલેશનશિપની વ્યાખ્યા અંતર્ગત મૂકવાનું મેજિસ્ટ્રેટનું અનુમાન ખોટું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]