આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મોને દર્શકો-શ્રોતાઓએ બિરદાવી

મુંબઈઃ સાહિત્ય, કળા અને સંસ્કૃતિનાં પ્રચાર-પ્રસાર માટે સાત વર્ષથી સતત કાર્યરત કાંદિવલીની સંસ્થા ”સંવિત્તિ”નાં નેજા હેઠળ ફરીવાર એક અનોખા કાર્યક્રમનું આયોજન કાંદિવલીમાં કેઈએસ (કાંદિવલી એજયુકેશન સોસાયટી)ના પંચોલીયા હૉલમાં ૨૫ ડિસેમ્બરના રવિવારે કરવામાં આવ્યું હતું. આ વખતનાં કાર્યક્રમમાં મનોમંથન કરવા પ્રેરે એવી બે શોર્ટ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. વધુ રસપ્રદ એ હતું કે ન કેવળ આ ફિલ્મો મોટા પડદાં પર દર્શાવવામાં આવી,પરંતુ ફિલ્મો પછી બંને ફિલ્મનાં સર્જકો અને તેમની ટીમ સાથે સંવાદ પણ યોજવામાં આવ્યો હતો.

પ્રથમ ફિલ્મ ૩૦ મિનિટની (ગુજરાતી) “મૂળસોતાં- THE ROOTED” દસ્તાવેજી ફિલ્મનું સ્ક્રિનિંગ હતું. આ ફિલ્મનું કથાનક ગુજરાતનાં દેડિયાપાડા અને વાંદરી ગામોનાં આદિવાસીઓની પોતાની જમીન અને જંગલો બચાવવાની અને જંગલના વાંસ બચાવવાની સંઘર્ષકથાનું છે.

૩૨ વરસની કાનુની લડાઈની કથા ‘મૂળસોતાં’

એડવોકેટ તૃપ્તિબેન પારેખનાં સૂત્ર સંચાલન હેઠળ ગુજરાતનાં આ ગામનાં આદિવાસીઓએ પોતાની જમીન અને જંગલો તથા જંગલના વાંસ બચાવવા સરકાર સામે જે ૩૨ વર્ષની લાંબી કાનૂની લડત કરી અને આખા દેશમાં લોકોને જાગ્રત કર્યા, જેને કારણે સરકારે કાયદાઓમાં સુધારા કરવા પડયા એ સત્ય ઘટનાને ઉજાગર કરતી દસ્તાવેજી ફિલ્મ મૂળસોતાંને શ્રોતાઓએ માણી હતી અને આદિવાસીઓ તેમ જ તેમને સહયોગ આપનાર હસ્તીઓની સ્પિરિટને સલામ કરી હતી. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સહિત ભારતમાં પણ ઘણાં પ્રતિષ્ઠિત ઍવોર્ડ મળ્યા છે.

આ સંઘર્ષ બાદ આ આદિવાસીઓને પોતાની જમીન ખેડવાનો, જંગલ વિકસાવવાનો અને અર્થોપાર્જન કરવાનો અધિકાર મળ્યો છે.  તેઓ ૨૦૧૬ થી ૨૦૧૮ નાં  સમયગાળા દરમ્યાન રૂપિયા ૩૨ કરોડનાં વાંસ વેચીને આર્થિક રીતે પગભર થયા છે. આ લોકો પોતાની સંસ્કૃતિને સાચવવાની સાથે સાથે સોલર પેનલો લગાવવા જેવી આધુનિક ટેક્નોલોજીનાં વપરાશ દ્વારા પોતાની પ્રજાને અગ્રેસર રાખી રહ્યાં છે. તેઓએ કાપડવણાટ જેવા ગૃહઉદ્યોગ પણ શરૂ કર્યો છે. તેમણે દેશના અન્ય ભાગોમાં વસતા આદિવાસીઓ માટે પણ ઉત્તમ દાખલો બેસાડયો છે એવું તેના ડિરેકટર જનાન્તિક શુકલાએ કહ્યું હતું.

આ અમારી ખરી આઝાદી- આદિવાસી ભાઈઓ

તેમનું કહેવું છે કે આવા સ્ક્રિનિંગ્સનાં માધ્યમે વધુને વધુ લોકો સુધી પહોંચી શકાય છે. USA નાં સ્ક્રીનીંગ દરમ્યાન પણ આ ફિલ્મ લોકો સાથે કનેક્ટ કરી શકી હતી. ફિલ્મના સિનેમેટોગ્રાફર પ્રતિક ભાલાવાળાનું કહેવું હતું કે ભલે આ કથા ભલે આદિવાસીઓની સંઘર્ષકથા છે, કિંતુ વાસ્તવમાં આ ફિલ્મ આપણને દરેકને સ્પર્શે છે. આ પ્રસંગે હાજર રહેલા લડતના આદિવાસી અગ્રણી પ્રતિનિધિ આરસીભાઈએ કહયું હતું કે અમારી માટે દેશની ૧૯૪૭ની આઝાદી કરતા પણ આ આઝાદી ખરી હતી.

ધ બ્લાઈન્ડ ડેટ

બીજી ૧૭ મિનિટની હિન્દી ફિલ્મ “THE BLIND DATE” દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મમાં કાંદિવલીના યુવાન ડિરેક્ટર મિહિર ઉપાધ્યાયે ખૂબ જ સંવેદનશીલ રીતે બે અંધ ( ન જોઈ શકતા) નાયક અને નાયિકાની પ્રેમકથા દર્શાવી છે. “જબ ઈન્સાન દુનિયા દેખ લેતા હૈ તબ સમજદાર હો જાતા હૈ” જેવો હળવો કટાક્ષ અથવા “હમ દોનોંકો છોડકે સૂરજકાકા પૂરી દુનિયા કો ઉજાલા બાંટતે હૈ” જેવા સંવાદ દ્વારા નાયક-નાયિકાની ફરિયાદોનું સચોટ નિરૂપણ કર્યુ છે.

આ પ્રસંગે મિહિર ઉપાધ્યાયનું કહેવું હતું  કે નાયક અને નાયિકાનું અંધત્વ એ કેવળ પ્રતિકાત્મક છે. દરેકના જીવનમાં જ્યારે પસંદગીનો અવકાશ આવે છે ત્યારે એ મોટી જવાબદારી બને છે, કારણ કે એ પસંદગી પછીના પરિણામને એણે સ્વીકારવુ પડે છે. આ ફિલ્મને પણ ઈન્ટરનેશનલ સહિત સંખ્યાબંધ અવોર્ડ્સ મળ્યા છે.

આ પ્રસંગે સુવિખ્યાત સાહિત્યકાર-લેખક ડૉ. દિનકર જોષી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આદિવાસીભાઈઓ આરસીભાઈ, ઈન્દ્રસિંહભાઈ,નિર્મળભાઈ હાજર હતાં. સંવિત્તિના સ્થાપક સભ્ય કીર્તિભાઈ શાહે કાર્યક્રમની શરૂઆતમાં સૌનાં સ્વાગત બાદ સર્જક-કળાકારોનો પરિચય આપ્યો હતો તેમ જ કાર્યક્રમનો ઉદેશ જણાવ્યો હતો.

ફિલ્મોના સ્ક્રિનિંગ બાદ આશુતોષ દેસાઇ દ્વારા પ્રશ્નોત્તરીના માધ્યમે બંને ફિલ્મોની ટીમનાં સભ્યો સાથે સંવાદ કરીને આ ફિલ્મો પાછળનાં હેતૂ, લક્ષ્ય તેના સર્જનની પ્રક્રિયા વિશે જવાબો મેળવાયા હતા. આ સત્રમાં દર્શકોએ પણ ભાગ લીધો હતો. રવિવારની સાંજ અને ક્રિસમિસની રજા છતાં શ્રોતાઓ સારી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

(સોનલ કાંટાવાલા)